મુંબઈગરાને મફતમાં મળશે કચરા પેટી
૭૦૯૦૦ ૭૯૭૭૭ નંબર પર વોટ્સ એપ કરીને કચરા પેટી માટે અરજી મોકલી શકાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ‘ડીપ ક્લિનીંગ’ ઝુંબેશ હેઠળ હવે મુંબઈ મહાનગરપાલિકા મુંબઈની તમામ હાઉસિંગ સોસાયટીઓને સૂકા અને ભીનો કચરા માટે અલગ અલગ કચરાની પેટીઓ ઉપલબ્ધ કરાવવાની છે. મુંબઈની હાઉસિંગ સોસાયટીઓ પોતાના સ્થાનિક વોર્ડમાં અરજી કરીને કચરાની પેટીઓ તદ્ન મફતમાં મેળવી શકશે એવો દાવો પાલિકા પ્રશાસને કર્યો છે.
મુંબઈ મહાનગરપાલિકામાં હાલ પ્રશાસકનું રાજ ચાલી રહ્યું છે. નગરસેવક ન હોવાથી હાઉસિંગ સોસાયટીઓને તથા ઝૂંપડપટ્ટીઓને આ કચરાની પેટીઓ મળવામાં અડચણ આવી રહી છે. તેથી હવે પાલિકા દ્વારા જ સૂકા અને ભીના કચરા માટે પ્લાસ્ટિકના ૧૨૦ લિટરની સાઈઝના બે અલગ-અલગ ડબ્બા મફતમાં આપવામાં આવવાના છે.
મુંબઈ મહાનગરપાલિકાના ઘનકચરા વિભાગ મારફત નાગરિકોને કચરાના ડબ્બાઓ ઉપલબ્ધ કરી આપવામાં આવી રહ્યાં છે. અગાઉ નગરસેવક ભંડોળમાંથી આ કચરાના ડબ્બા ખરીદી કરીને નગરસેવકો મારફત જ તેમના વોર્ડમાં આવેલી ૬૦,૦૦૦થી વધુ હાઉસિંગ સોસાયટી અને ઝૂંપડપટ્ટીના રહેવાસીઓને વહેંચવામાં આવતી હતી. પરંતુ બે વર્ષથી નગરસેવક ન હોવાથી હવે પાલિકાના ઘનકચરા વિભાગ મારફત ૧,૨૦,૦૦૦ આ ડબ્બાઓની ખરીદી કરીને નાગરિકોનેે આપવામાં આવવાના છે.
મુંબઈ મહાનગરપાલિકાએ ત્રણ કૉન્ટ્રેક્ટરોને ફાઈનલ કર્યા છે. આ પાછળ પાલિકાએ આઠ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે. હાઉસિંગ સોસાયટી અને ઝૂંપડપટ્ટીના નાગરિકો દ્વારા આ કચરાપેટીઓ મેળવવા માટે તેમના સ્થાનિક વોર્ડમાં લેખિતમાં અથવા ઓનલાઈન અરજી કરીને મેળવી શકે છે. અથવા ૭૦૯૦૦ ૭૯૭૭૭ નંબર પર વોટ્સ એપ કરીને અરજી મોકલી શકે છે. અરજી મળ્યા બાદ તેમને કચરાના ડબ્બા ઉપલબ્ધ કરાવવામાં આાવશે.