મુંબઈગરાઓ થઈ જાઓ તૈયારઃ હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુંબઈ: આ વર્ષે મુંબઈગરાઓને શિયાળાની ઠંડીની ખાસ મોજ માણવા ભલે ન મળી હોય, પણ લગભગ છેલ્લા એક અઠવાડિયાથી શહેરમાં ફૂલગુલાબી ઠંડી અનુભવાય છે. જોકે મુંબઈગરાઓનો હરખ વધુ સમય સુધી ટકે એવું જણાઇ રહ્યું નથી. વધુ થોડા સમય સુધી ફૂલગુલાબી ઠંડીનો આનંદ માણવા માગતા મુંબઈગરાઓની આશા પર હવામાન ખાતાએ પાણી રેડ્યું છે.
હવામાન ખાતાની આગાહી મુજબ આવનારા દિવસોમાં શહેરનું તાપમાન વધી શકે છે. તાપમાનમાં વધારાના કારણે મુંબઈગરાઓ આગામી દિવસોમાં ગરમીનો અનુભવ કરશે. જોકે, ફેબ્રુઆરી મહિનામાં થોડા દિવસ ફરી તાપમાન નીચે જઇ શકે, એવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી.
આ શિયાળામાં મુંબઈનું વધુમાં વધુ તાપમાન 35 ડિગ્રી સુધી નોંધાયું છે. 27 જાન્યુઆરીના સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન 34.4 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે કોલાબા ખાતે મહત્તમ તાપમાન 31.4 ડિગ્રી નોંધાયું હતું.
એન્ટિ સાયક્લોનિક ડેવલપમેન્ટ્સના કારણે પવનોના વેગમાં ફેરફાર થયો છે અને તેના કારણે શહેરનું તાપમાન વધી રહ્યું હોવાનું હવામાન ખાતાના એક અધિકારીએ જણાવ્યું હતું. ફેબ્રુઆરી મહિનો શરૂ થાય ત્યાં સુધી મુંબઈ વિભાગમાં આ જ રીતનું તાપમાન જળવાઇ રહેશે એવી શક્યતા છે. મુંબઈમાં શિયાળામાં તાપમાનમાં વધ-ઘટ એ સામાન્ય છે. જોકે, આ વર્ષે મુંબઈગરાઓ માટે શિયાળો સામાન્ય કરતાં વધુ ગરમ રહ્યો હતો.
12મી જાન્યુઆરીએ મુંબઈમાં મહત્તમ તાપમાન 35.7 ડિગ્રી રહ્યું હતું, જે છેલ્લા સાત વર્ષમાં સૌથી વધુ હતું. જોકે, પાંચમી ફેબ્રુઆરી સુધી આ સ્થિતિ રહ્યા બાદ તાપમાનમાં ઘટાડો થઇ શકે, એવી શક્યતા હવામાન ખાતાના અધિકારીએ વ્યક્ત કરી હતી.