‘મોનોરેલ’ની મહાદશા બેઠીઃ વડાલા-જીટીબીનગર વચ્ચે મોનોરેલ કેમ ઝૂકી, કારણ શું હતું?

મુંબઈઃ મુંબઈની મોનોરેલની ‘મહાદશા’ બેઠી હોય એમ એક પછી એક અકસ્માતો થઇ રહ્યા છે. આજે ફરી એકવાર વડાલા નજીક મોનોરેલનો એક કોચ પાટા પરથી ઉતરી ગયો અને એક તરફ નમી ગયો હતો. જોકે, મોનો રેલના પરીક્ષણ દરમિયાન ટેકનિકલ ખામીને કારણે આ અકસ્માત થયો હતો. સદ્ભાગ્યે ટ્રેનમાં કોઈ મુસાફરો નહોતા અને કોઈને ઈજા થઈ નથી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
અકસ્માતનું કારણ અને નુકસાન કેટલું થયું?
અકસ્માત સવારે 9 વાગ્યે વડાલા-જીટીબી મોનોરેલ સ્ટેશન પાસે વડાલા પૂર્વમાં આરટીઓ જંકશન પાસે થયો હતો. વડાલા ડેપોમાં ટેસ્ટિંગ ચાલી રહ્યું હતું, ત્યારે ટ્રેનનો એક કોચ ડીરેલ થઈને એક સ્ટ્રક્ચર સાથે ટકરાયો હતો. ટકરાયા પછી ટ્રેનનું સંતુલન બગડ્યું હતું અને કોચ ઝૂકી ગયો હતો. આ અકસ્માત પછી ફાયર બ્રિગેડની ટીમ અને એમએમઆરડીએના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
ટ્રેક સ્વિચમાં ટેક્નિકલ ખામીને કારણે થયો હતો. આ એક ફ્કત ટેસ્ટિંગ ટ્રેન હતી. આ એક ટેસ્ટિંગ ટ્રેન હતી અને અકસ્માત સ્વિચમાં ખામીને કારણે થયો, જે ટ્રેક બદલવા માટે થાય છે. સદ્નસીબે ટ્રેનમાં કોઈ પ્રવાસી નહોતા, નહીં તો મોટી હોનારતનું નિર્માણ થયું હોત. જોકે, અકસ્માતને કારણે કોચને નુકસાન થયું છે. ઉપરાંત, ટ્રેનની એલાયમેન્ટ સિસ્ટમ અને ગાઈડ બીમ સ્ટ્રક્ચરને નુકસાન થયું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ચોક્કસ કારણ માટે તપાસ હાથ ધરવામાં આવશે
ગયા મહિને ભારે વરસાદને કારણે મોનોરેલ સેવા ખોટકાતા, મુસાફરો ફસાઈ ગયા હતા ત્યારથી મોનોરેલ સેવા બંધ છે. હાલ ટ્રેન સિસ્ટમની સર્વિસિંગ ચાલી રહી હતી તે વખતે પરીક્ષણ દરમ્યાન આજે સવારે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. દરમિયાન ટેકનિકલ ખામીને કારણે ટ્રેન એક તરફ નમી ગઈ હતી. ટ્રેનમાં કોઈ મુસાફરો નહોતા, અને ઘટનાસ્થળે હાજર મોનોરેલ સ્ટાફે ઝડપથી પરિસ્થિતિ સંભાળી લીધી. અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે કોઈને ઈજા થઈ નથી અને ખામીનું ચોક્કસ કારણ જાણવા માટે આંતરિક તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.
20 ઓગસ્ટના વરસાદથી સેંકડો પ્રવાસી ફસાયા
શહેરની મોનોરેલ સેવામાં તાજેતરમાં થયેલી ટેકનિકલ ખામીઓની હારમાળા વચ્ચે ફરી આ અકસ્માત થયો છે. 20 ઓગસ્ટના ભારે વરસાદ દરમિયાન ચેમ્બુર અને ભક્તિ પાર્ક સ્ટેશનો વચ્ચે એક ટ્રેન બગડી ગઈ હતી, જેમાં 500થી વધુ મુસાફર ફસાયા હતા જેમને બાદમાં બચાવી લેવામાં આવ્યા હતા. 15 સપ્ટેમ્બરના વડાલા નજીક બીજી એક મોનોરેલ ટ્રેનમાં સોફ્ટવેર સંબંધિત ખામી સર્જાઈ, જેના કારણે 17 મુસાફરને તાત્કાલિક બહાર કાઢવાની ફરજ પડી હતી. તે દિવસે બે કલાકથી વધુ સમય માટે સેવાઓ આંશિક રીતે ખોરવાઈ ગઈ હતી.



