મુંબઈ બ્લાસ્ટ કેસ: પૂર્વ કમિશનર એ.એન. રોયે હાઈ કોર્ટના નિર્ણય પર શું કહ્યું?

મુંબઈ બ્લાસ્ટ કેસ: પૂર્વ કમિશનર એ.એન. રોયે હાઈ કોર્ટના નિર્ણય પર શું કહ્યું?

મુંબઈઃ 11 જુલાઈ 2006ના મુંબઈની લોકલ ટ્રેનોમાં થયેલા બૉમ્બ બ્લાસ્ટના 19 વર્ષ પછી સોમવારે મુંબઈ હાઇ કોર્ટે કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા અને હવે આ મુદ્દે રાજકારણ ગરમાયુ છે. આ કેસનું નેતૃત્વ કરનાર તત્કાલીન મુંબઈ પોલીસ કમિશનર એ. એન. રોયે મીડિયા સાથે ખાસ વાતચીત કરી હતી. મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં એ. એન. રોયે હાઈ કોર્ટના ચુકાદા વિશે વિગતવાર વાત કરી છે. ચાલો જાણીએ તેમણે શું કહ્યું.

તે સમયે 13 લોકોની ધરપકડ કરવામાં આવી હતી
ઇન્ટરવ્યુમાં એ. એન. રોયે કહ્યું, “તે સમયે તપાસનું નિરીક્ષણ હું કરતો હતો. હું સમગ્ર તપાસની જવાબદારી લઉં છું. અમે આ કેસની સંપૂર્ણ તપાસ પ્રોફેશનલ રીતે કરી હતી. અમે બધા પુરાવા એકત્રિત કરીને ફક્ત 13 લોકોની ધરપકડ કરી હતી. અમે ફક્ત તે આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી જેમની સામે અમને નક્કર પુરાવા મળ્યા હતા.

2006 Mumbai train blasts

તેમની અરજી યોગ્યતાના અભાવે ફગાવી
આ કેસ 7 વર્ષ સુધી ચાલ્યો, જે દરમિયાન આરોપીઓએ હાઇ કોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં અલગ-અલગ અરજીઓ દાખલ કરી અને કહ્યું કે તેમને ત્રાસ આપવામાં આવ્યો હતો અને નિવેદનો નોંધવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. પરંતુ દર વખતે કોર્ટે તેમની અરજી યોગ્યતાના અભાવે ફગાવી દીધી. કોર્ટે નિવેદનો નોંધવવા માટે ત્રાસના તમામ આરોપોની તપાસ કરી. તપાસમાં આ બધા આરોપો ખોટા હોવાનું જાણવા મળ્યું અને તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી.

ટ્રાયલ કોર્ટે 1,900 પાનાનો ચુકાદો આપ્યો
રોયે વધુમાં જણાવ્યું હતું કે, “7 વર્ષ સુધી ચાલેલી આ ટ્રાયલ દરમિયાન ટ્રાયલ કોર્ટે લગભગ 1900 પાનાનો ચુકાદો આપ્યો હતો. આ ચુકાદામાં, બંને પક્ષોની દલીલોનો વિગતવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોર્ટે 13 આરોપીમાંથી એકને નિર્દોષ જાહેર કર્યો, જ્યારે બાકીના 12 આરોપીઓમાંથી 5 આરોપીને મૃત્યુદંડની સજા અને સાતને આજીવન કેદની સજા ફટકારી હતી. ટ્રાયલ કોર્ટનો આ નિર્ણય કોઈ સામાન્ય નિર્ણય નહોતો, આ ખૂબ મોટો ચુકાદો હતો. ટ્રાયલ કોર્ટમાં ચુકાદો અમારા પક્ષમાં આવ્યો હતો, પરંતુ હવે 10 વર્ષ પછી હાઈકોર્ટમાં ચુકાદો અમારી વિરુદ્ધ આવ્યો છે. અમે આ કેસની ખૂબ સારી રીતે તપાસ કરી છે. ઉચ્ચ અદાલતમાં અપીલ માટે અમારો કેસ ખૂબ જ મજબૂત છે.”

ત્રાસ અપાયાનું નિવેદન ખોટું હોવાનું નિવેદન
રોયે ભારપૂર્વક જણાવ્યું કે, એ ઇતિહાસ છે કે સમગ્ર ભારતમાં જ્યારે પણ કોઈ પણ કેસમાં કોઈ પણ આરોપીની કબૂલાતના નિવેદન આપ્યા પછી ટ્રાયલ શરૂ થઈ છે, ત્યારે તેણે દર વખતે પોતાનું નિવેદન બદલ્યું છે. દરેક કેસમાં આરોપી કહે છે કે આ નિવેદન મને ત્રાસ આપીને લેવામાં આવ્યું હતું. આ કંઈ નવું નથી. આ મુદ્દો ટ્રાયલ કોર્ટમાં પણ ઉઠાવવામાં આવ્યો હતો. કોર્ટના આદેશ પર તમામ આરોપીઓની તબીબી તપાસ કરવામાં આવી, કોર્ટ રૂમમાં યોગ્ય દલીલો થઈ અને અંતે કોર્ટે ત્રાસ અપાયાના આરોપોને યોગ્યતાના અભાવે ફગાવી દીધા. બધા સાક્ષીઓને ટ્રાયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો…મુંબઈ લોકલ ટ્રેન બોમ્બ બ્લાસ્ટ મામલે બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો; 11 આરોપીઓ નિર્દોષ જાહેર

આરોપીઓની બંને પક્ષો તરફથી પ્રશ્નોત્તરી થઇ હતી
તેમણે જણાવ્યું હતું કે, ટ્રાયલ દરમિયાન દરેક સાક્ષીઓની બંને પક્ષો તરફથી પ્રશ્નોત્તરી અને ઉલટતપાસ થઇ હતી. બચાવ પક્ષના વકીલોની આખી ફોજ હાજર રહેતી હતી અને તેમણે દરેક સાક્ષીની સંતોષ થાય ત્યાં સુધી ઉલટતપાસ કરી હતી. ચુકાદામાં, દરેક સાક્ષીએ શું કહ્યું અને પૂછપરછ દરમિયાન શું કહેવામાં આવ્યું તે વિશેની બધી વિગતો નોંધવામાં આવી છે.

ચુકાદાને ઉચ્ચ અદાલતમાં પડકારવામાં આવશે
એ. એન. રોયે વધુમાં કહ્યું કે જ્યાં સુધી હું હાઈ કોર્ટનો સંપૂર્ણ ચુકાદો વાંચીશ નહીં ત્યાં સુધી હું આ મુદ્દા પર વધુ કંઈ કહીશ નહીં, પરંતુ અમે કેસની સંપૂર્ણ તપાસમાં સંપૂર્ણ કાનૂની પ્રક્રિયાનું પાલન કરીને, બધા પુરાવા એકત્રિત કર્યા હતા. હવે આ મુદ્દા પર ટ્રાયલ કોર્ટના ચુકાદા અને હાઈ કોર્ટના ચુકાદા પર ધ્યાન આપવાનું છે. અમે હાઈ કોર્ટના ચુકાદાને સંપૂર્ણ ગરિમા અને આદર સાથે સ્વીકારીએ છીએ, પરંતુ કાનૂની પ્રક્રિયા મુજબ, તેને ઉચ્ચ અદાલતમાં પડકારવામાં આવશે.

આ પણ વાંચો…સંજય દત્ત મુંબઈ બોમ્બ બ્લાસ્ટ રોકી શક્યો હોત! રાજ્યસભામાં નોમિનેટેડ વકીલ ઉજ્જવલ નિકમે કર્યા મોટા ખુલસા

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button