મુંબઈના રસ્તાઓ પર ખાનગી વાહનોનો ‘કબજો’: BEST બસોનું પ્રમાણ ઘટ્યું, પ્રશાસનની ચિંતા વધી…

મુંબઈઃ મુંબઈના રસ્તાઓ ઉપર ટ્રાફિક જામ તરફ નજર કરીએ બસો, ગાડીઓ, દ્વિચક્રી વાહનો અને રીક્ષાઓ સહીત અનેક વાહનો જોવા મળે છે. જેમજેમ શહેરનો વિકાસ થતો ગયો છે, તેમ તેમ મુંબઈના રસ્તાઓ પર ખાનગી વાહનોનું પ્રભુત્વ વધતું ગયું છે, જે હજુ પણ અકબંધ છે.
એક અહેવાલ મુજબ શહેરની 50 લાખથી વધુ વાહન સંખ્યામાં ટુ-વ્હીલર અને કારનો હિસ્સો લગભગ 88 ટકા છે, જ્યારે જાહેર પરિવહન બસોનો હિસ્સો એક ટકા કરતા પણ ઓછો છે.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના “પર્યાવરણ સ્થિતિ અહેવાલ 2024-25” મુજબ મુંબઈમાં વાહનોની સંખ્યા 2024-25માં 50 લાખના આંકડાને વટાવી ગઈ, જે 2023માં 45,37,211 અને 2024માં 47,59,976 હતી તે માર્ચ 2025 સુધીમાં ધીમે ધીમે વધીને 50,54,907 થઈ ગઈ.
આ અઠવાડિયાની શરૂઆતમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં જણાવાયું હતું કે આમાંથી ટુ-વ્હીલર (59.34 ટકા) અને કાર, જીપ અને સ્ટેશન વેગન (28.72 ટકા) મળીને શહેરના વાહનોનો લગભગ 88 ટકા હિસ્સો ધરાવે છે.
બાકીના વાહનોમાં 5.02 ટકા ઓટોરિક્ષા, 3.27 ટકા ટેક્સી, 0.42 ટકા માલસામાનના વાહનો, 0.02 ટકા ટ્રેક્ટર/ટ્રેલર્સ અને 2.72 ટકા અન્ય વાહનો તરીકે વર્ગીકૃત વાહનોનો સમાવેશ થાય છે.
એપ્રિલ 2024થી માર્ચ 2025 દરમિયાન મુંબઈમાં ઓછામાં ઓછા 2.94 લાખ નવા વાહનો નોંધાયા હતા, જે નોંધણીમાં 6.2 ટકાનો નોંધપાત્ર વધારો દર્શાવે છે, એમ અહેવાલમાં જણાવાયું છે. નવા નોંધાયેલા વાહનોમાંથી 60.87 ટકા ટુ-વ્હીલર હતા.
ત્યાર બાદ કાર, જીપ અને સ્ટેશન વેગન 23.94 ટકા, ટેક્સી અને કેબ 6.26 ટકા, ઓટોરિક્ષા 3.06 ટકા અને માલસામાનના વાહનો 4.43 ટકા હતા. કુલ વાહનોમાં બસોનો હિસ્સો 0.73 ટકા હતો, જેમાં ટ્રેક્ટર/ટ્રેઇલર અને અન્ય વાહનોનો ફાળો અનુક્રમે માત્ર 0.09 ટકા અને 0.6 ટકા હતો.
અહેવાલ મુજબ સૌથી વધુ 39.83 લાખ (78.79 ટકા) વાહનો પેટ્રોલ પર ચાલે છે, ત્યારબાદ 5.63 લાખ (11.15 ટકા) ડીઝલ પર અને 4.36 લાખ CNG પર ચાલે છે. મુંબઈમાં ફક્ત 48,754 ઇલેક્ટ્રિક વાહનો છે, ત્યારબાદ 11,418 LPG પર ચાલે છે અને 10,832 અન્ય ઇંધણ પર ચાલે છે.
અહેવાલમાં એ પણ નિર્દેશ કરવામાં આવ્યો છે કે બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) ઉપક્રમ માર્ચના અંત સુધીમાં કુલ 2,731 બસો ચલાવી રહ્યું હતું.
આ બસોમાં BEST ની માલિકીની 612 અને વેટ-લીઝ મોડેલ હેઠળ કાર્યરત 2,119 બસોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે BESTના કુલ કાફલાના 91 ટકા પર્યાવરણને અનુકૂળ CNG અને ઇલેક્ટ્રિક બસોનો સમાવેશ થાય છે.
2027ના અંત સુધીમાં, સમગ્ર BEST કાફલામાં ઇલેક્ટ્રિક બસોનો સમાવેશ થશે. આ મુંબઈ શહેરના પ્રદૂષણને ઘટાડવામાં મદદ કરશે કારણ કે આ બસો દ્વારા દર વર્ષે 3,18,296 ટન CO2 ઘટાડવામાં આવશે,” એમ અહેવાલમાં જણાવાયું છે.
આ પણ વાંચો…BESTને ફટકોઃ અણિક ડેપોમાં ધૂળ ખાતી 100 બસ, કોન્ટ્રાક્ટ રદ્દ થતા લાખોનું નુકસાન…