સ્વાતંત્ર્ય દિન નિમિત્તે મુંબઈમાં કડક સુરક્ષા વ્યવસ્થાઃ 14,000થી વધુ પોલીસકર્મીઓ તહેનાત

મુંબઈ: સ્વાતંત્ર્ય દિને મહાનગરમાં વિવિધ કાર્યક્રમો અને શોભાયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું હોવાથી કાયદો-વ્યવસ્થાની કોઇ પણ સમસ્યા નિર્માણ ન થાય તે માટે પોલીસે સજ્જડ તૈયારીઓ કરી દીધી છે. સ્વાતંત્ર્ય દિને મુંબઈમાં 14 હજારથી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓને બંદોબસ્ત માટે તહેનાત કરવામાં આવ્યા છે.
સ્વાતંત્ર્ય દિને છ એડિશનલ પોલીસ કમિશનર, 17 ડેપ્યુટી પોલીસ કમિશનર, 39 આસિસ્ટન્ટ પોલીસ કમિશનર સહિત 2,529 પોલીસ અધિકારીઓ તેમ જ 11,682 પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં રહેશે.
આ પણ વાંચો: સળંગ 11મી વખત સ્વતંત્રતા દિને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાષણ આપશે
ઉપરાંત મહત્ત્વનાં સ્થળો પર સુરક્ષા વધારવામાં આવી છે અને અધિકારીઓને સ્પોટ વિઝિટ હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. મહત્ત્વનાં સ્થળો પર ફોર્સ વન, એસઆરપીએફ (સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ), ક્વિક રિસ્પોન્સ ફોર્સ, રાયટ્સ ક્ધટ્રોલ ફોર્સ, ડેલ્ટા, કોમ્બેક્ટ તથા હોમગાર્ડસને ગોઠવવામાં આવ્યા છે.
નાગરિકોને સહકાર આપવા, શંકાસ્પદ વસ્તુ મળી આવે તો તાત્કાલિક પોલીસને તેની જાણ કરવા તથા મદદ માટે પોલીસને હેલ્પલાઇન નંબર 100/112 પર સંપર્ક સાધવાની પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે