થાણે-બોરીવલી ટ્વીન ટનલ: દોઢ કલાકનો પ્રવાસ હવે માત્ર 15 મિનિટમાં, જાણો પ્રોજેક્ટનું મહત્ત્વ?

મુંબઈઃ મુંબઈમાં હાલ ઠેક ઠેકાણે ઇન્ફ્રાસ્ટક્ચરના કામો ચાલી રહ્યા છે, એમાં થાણે-બોરીવલી ટ્વીન ટનલ પ્રોજેક્ટ મુંબઈના સૌથી મહત્વાકાંક્ષી માળખાગત વિકાસ પ્રોજેક્ટ્સમાંનો એક છે. આ પ્રોજેક્ટ પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતા લાખો મુસાફરો માટે દૈનિક મુસાફરીમાં નોંધપાત્ર રાહત થવાની અપેક્ષા છે.
ઓથોરિટીએ જણાવ્યું હતું કે થાણેમાં મોટા ભાગની જમીન સંપાદનનું કામ પૂર્ણ થઈ ગયું છે અને બોરીવલીમાં પ્રોજેક્ટ-અસરગ્રસ્તો (PAPs)નું પુનર્વસન હાલમાં ચાલી રહ્યું છે. ઘોડબંદર રોડને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે સાથે જોડતી આ ૧૧.૮ કિમી લાંબી ટ્વીન ટનલ થાણેના ઘોડબંદર રોડને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે સાથે સીધી જોડશે, જેનાથી બે મુખ્ય ઉપનગર વચ્ચે ઝડપી અને સરળ મુસાફરી શક્ય બનશે.
આ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી મુસાફરીનો સમય હાલના 60થી 90 મિનિટથી ઘટીને લગભગ 15 મિનિટ થવાની ધારણા છે, તેનાથી પૂર્વના ઉપનગરોથી પશ્ચિમ તરફ જતા લોકોના સમયની સાથે બહુમૂલ્ય ઇંધણની પણ બચત થશે, કારણ કે ટ્રાફિક જામમાંથી લોકોને રાહત મળવાની અપેક્ષા છે.
આ પણ વાંચો : થાણે-બોરીવલી ટ્વીન ટનલ: મંજૂર થયું ₹૨૧૦ કરોડનું ભંડોળ, હવે માત્ર ૧૨ મિનિટમાં અંતર કપાશે
ત્રણ તબક્કામાં કામ થશે
બોરીવલી-થાણે ટ્વીન ટનલ પ્રોજેક્ટ ત્રણ તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે. પહેલા તબક્કામાં બોરીવલી અને થાણે વચ્ચે 5.75 કિલોમીટરની ટનલ બનશે. બીજા તબક્કામાં થાણે અને બોરીવલી વચ્ચે 6.5 કિલોમીટરની ટનલ બનાવાશે. ત્રીજા તબક્કામાં રૂટ પર વેન્ટિલેશન સિસ્ટમ અને અન્ય સાધનો બેસાડવામાં આવશે. MMRDA આ પ્રોજેક્ટને ત્રણ વર્ષમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખે છે.
ટ્વીન ટનલ કેવી હશે?
આ ટનલ અદ્યતન ટનલિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઓછા માં ઓછું પર્યાવરણીય નુકશાન થાય તે રીતે ડિઝાઇન કરવામાં આવી છે. ટનલમાં વેન્ટિલેશન સિસ્ટમ્સ, અગ્નિશામક સાધનો, સ્મોક ડિટેક્ટર અને સ્પષ્ટ નેવિગેશન માટે LED સાઇનબોર્ડ જેવી આધુનિક સલામતી સુવિધાઓ હશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ બંને ટનલ ફક્ત મુસાફરીનો સમય જ નહીં ઘટાડે પરંતુ પ્રદૂષણ અને વાહનોની ભીડ ઘટાડવામાં પણ મદદ કરશે, જે મુંબઈમાં વધુ કાર્યક્ષમ શહેરી પરિવહન નેટવર્ક તરફ એક મોટું પગલું છે.
આ પણ વાંચો : થાણે-બોરીવલી ટ્વીન ટનલઃ રોજના 300 ટ્રક માટી ખોદશે, સ્થાનિકોને હાલાકીના એંધાણ
સંજય ગાંધી નેશનલ પાર્ક નીચેથી પસાર થતો આ ડબલ ટનલ પ્રોજેક્ટ, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેને થાણેમાં ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે સાથે સીધો જોડશે. દરેક ટનલમાં ત્રણ લેન હશે, જેમાં એક ઇમરજન્સી લેનનો સમાવેશ થશે, અને સલામતી માટે દર 300 મીટરે ક્રોસ-પાસ હશે. આ કાર્ય અત્યાધુનિક ટનલ બોરિંગ મશીનો (TBM)નો ઉપયોગ કરવામાં આવશે.
આશરે ૧.૮૫ કિલોમીટર લાંબી આ ડબલ ટનલ પ્રોજેક્ટનો અંદાજિત કુલ ખર્ચ 14,401 કરોડ રૂપિયા છે. કુલ ખર્ચમાંથી, રાજ્ય સરકાર ₹ 1,144.60 કરોડ આપશે, જ્યારે કેન્દ્ર સરકાર ₹572.30 કરોડ આપશે. જમીન સંપાદનનો ખર્ચ ₹ 700 કરોડ છે.



