મુંબઈ લોકલ ટ્રેનનું કડવું સત્ય: 2025માં 2,200થી વધુ લોકોના મોત, થાણે-કલ્યાણ સૌથી વધુ જોખમી સેક્શન…

થાણે અને કલ્યાણ સૌથી સંવેદનશીલ વિસ્તારો, ટ્રેક ક્રોસિંગ અને ટ્રેનમાંથી પડવાના મુખ્ય કારણ…
મુંબઈઃ મુંબઈ સબર્બન રેલવેના નેટવર્કમાં દર વર્ષે વધારો થાય છે, જ્યારે ટ્રેનની ફેરીમાં પણ વધારો કરવામાં આવે છે, પરંતુ મુંબઈ રેલવે માટે અકસ્માતની બાબત ચિંતાજનક છે. અકસ્માતના પ્રમાણમાં વધારો થયો નથી, પરંતુ મૃત્યુઆંકના પ્રમાણમાં મોટો ઘટાડો થઈ રહ્યો નથી, જેમાં ગયા વર્ષે વિવિધ પ્રકારના અકસ્માતમાં મૃત્યુઆંકની સંખ્યા 2,200થી વધુ હતી.
ગવર્નમેન્ટ રેલ્વે પોલીસ (GRP)ના ડેટા અનુસાર 2025માં મુંબઈના ઉપનગરીય રેલવે નેટવર્ક પર મૃત્યુદરમાં 7 ટકાનો ઘટાડો થયો હતો. વર્ષ દરમિયાન 2,287 મુસાફરના મૃત્યુ નોંધાયા હતા, જે 2024માં 2,468 હતા. ઘાયલ મુસાફરોની સંખ્યા 2024માં 2,697 હતી, તેની સામે 5 ટકાના નજીવા ઘટાડા સાથે 2025માં 2,554 થઇ હતી.
દર વર્ષે ઘટાડા છતાં, શહેરના રેલ્વે નેટવર્ક પર મુસાફરી કરતી વખતે દરરોજ સરેરાશ છ લોકો જીવ ગુમાવે છે, જે ખાસ કરીને સતત વિકસતા ઉપનગરોમાં સલામતી અંગે પડકારો ઉભા કરે છે. રેલવે વિભાગોમાં, થાણેમાં સૌથી વધુ 278 લોકોના મોત થયા, ત્યારબાદ કલ્યાણ (266) અને બોરીવલી (244)નો ક્રમ આવે છે. કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે જાહેર પરિવહન ક્ષમતામાં સુધારા વિના ઝડપી શહેરી વિસ્તરણને કારણે શહેરથી દૂરના વિસ્તારોમાં મૃત્યુનું પ્રમાણ વધુ છે.
2025માં ટ્રેક ક્રોસિંગ મૃત્યુનું મુખ્ય કારણ રહ્યું, જેમાં 1,063 મૃત્યુ થયા, જે કુલ મૃત્યુના લગભગ અડધા હતા. એકલા થાણે વિભાગમાં આવા 144 કેસ નોંધાયા હતા. ભીડને કારણે મુસાફરો સંતુલન ગુમાવીને ચાલતી ટ્રેનમાંથી પડી જતા 525 લોકોના મોત થયા હતા, જેમાં કલ્યાણ વિભાગમાં આવા સૌથી વધુ 98 કેસ નોંધાયા હતા.
અન્ય કારણોમાં કુદરતી મૃત્યુ, આત્મહત્યા, વિદ્યુતપ્રવાહથી, રેલ્વેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે અને પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેના ગેપમાં પડી જવાથી વગેરે શામેલ છે. મધ્ય રેલ્વે પર, થાણે, ડોમ્બિવલી અને કલ્યાણ સ્ટ્રેચ પર મળીને લગભગ 30% મૃત્યુ નોંધાયા હતા. કાર્યકરો અને મુસાફરોએ વારંવાર થતી ઘટનાઓનો ઉલ્લેખ કરીને મુમ્બ્રા વળાંકને ખાસ કરીને સંવેદનશીલ ઝોન તરીકે ચિહ્નિત કર્યો હતો. 9 જૂનના રોજ, વિરુદ્ધ દિશામાં પસાર થતી ટ્રેનો આ વિસ્તારમાં ખતરનાક રીતે નજીક આવી જતાં પાંચ મુસાફરોના મોત થયા હતા.
મુસાફરોએ આ જોખમો માટે ભીડ અને મર્યાદિત પરિવહન વિકલ્પોને જવાબદાર ગણાવ્યા હતા. અન્ય જાહેર પરિવહન વિકલ્પો મર્યાદિત હોવાથી મોટા પ્રમાણમાં મુસાફરો કલ્યાણ-ડોંબિવલી-થાણે થી મુંબઈ જવા દરરોજ ટ્રેન દ્વારા મુસાફરી કરે છે. નિષ્ણાતોએ નોન-એસી કોચમાં ઓટોમેટિક દરવાજા બેસાડવાનું સૂચન કર્યું છે, જોકે આ માટે માળખાકીય ફેરફારોની જરૂર પડશે.
રેલવે અધિકારીઓએ પહેલાથી જ લેવામાં આવેલા સલામતીના પગલાં તરફ ધ્યાન દોર્યું હતું. ગયા વર્ષે બોમ્બે હાઈ કોર્ટમાં જાહેર હિતની અરજીના જવાબમાં સેન્ટ્રલ રેલવેએ જણાવ્યું હતું કે તેણે 47 પ્લેટફોર્મ પર વાડ કરી છે, 204 સંભવિત અતિક્રમણ પોઈન્ટ સીલ કર્યા છે, 1,260 અતિક્રમણ દૂર કર્યા છે અને ઓળખાયેલા ઉચ્ચ જોખમી સ્થળોએ વોર્નિંગ સિસ્ટમ બેસાડી છે. લાંબા ગાળાના માળખાગત પ્રોજેક્ટ્સમાં પનવેલ-કર્જત અને ઐરોલી-કલવા કોરિડોર અપગ્રેડનો સમાવેશ થાય છે.
“નોન-એસી કોચમાં ઓટોમેટિક દરવાજા શરૂ કરવામાં ઘણી અડચણો છે કારણ કે અનેક ટ્રાયલ્સમાં પડકારોનો સામનો કરવો પડ્યો છે,” મધ્ય રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. લાંબા ગાળાનો વિચાર કરતા તબક્કાવાર રીતે બધી ટ્રેનોને એર-કન્ડિશન્ડ કરવામાં આવે, MUTP3 હેઠળ 238 નવી એસી લોકલનો ઓર્ડર આપવામાં આવ્યો છે, જેમાં 2027 થી 2031 સુધીમાં નવી એસી લોકલનો સમાવેશ થવાની અપેક્ષા છે.



