આમચી મુંબઈ

ચાર સ્કૂલને બૉમ્બ બ્લાસ્ટની ધમકી આપતા ઈ-મેઈલ મળતાં ખળભળાટ

પોલીસે ‘સાયબર ટેરરિઝમ’નો કેસ નોંધ્યોે: એક જ વ્યક્તિએ આ મેઈલ મોકલ્યાની શક્યતા

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈની બે અને મીરા-ભાયંદરની બે ઈન્ટરનૅશનલ સ્કૂલને બૉમ્બ બ્લાસ્ટની ધમકીભર્યા ઈ-મેઈલ મળતાં ખળભળાટ મચી ગયો હતો. સઘન તપાસ બાદ પણ ચારેય શાળામાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી. જોકે આ પ્રકરણે પોલીસે ‘સાયબર ટેરરિઝમ’નો કેસ નોંધ્યો હતો, જેની તપાસ ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી હતી.

મુંબઈમાં કાંદિવલી અને ગોવંડીના દેવનાર ખાતેની ઈન્ટરનૅશનલ સ્કૂલને શનિવારે ઈ-મેઈલ મળ્યા હતા, જેમાં સ્કૂલ પરિસરમાં સોમવારે બૉમ્બ બ્લાસ્ટ થવાની ધમકી આપવામાં આવી હતી. ઈ-મેઈલમાં હૈદરાબાદના બળાત્કાર કેસનો પણ કથિત રીતે ઉલ્લેખ કરાયો હતો અને દાવો કરાયો હતો કે બાળકો મરશે તો જ વાલીઓ તેની નોંધ લેશે અને વિરોધ કરશે… આ વિરોધ થશે તો જ પોલીસ બળાત્કાર કેસની યોગ્ય તપાસ કરશે.

આ પણ વાંચો: અમેરિકન કોન્સ્યુલેટની ઑફિસમાં બ્લાસ્ટની ધમકીથી પોલીસ અલર્ટ

પોલીસને શંકા છે કે શાળાઓમાં ધમકીભર્યા મેઈલ મોકલવા પાછળ એક જ વ્યક્તિ સંડોવાયેલી છે. જે ઈ-મેઈલ આઈડી પરથી આ મેસેજ આવ્યા છે તેની પોલીસ તપાસ કરી રહી છે.

મળતી માહિતી અનુસાર ગોવંડીની કાણકિયા ઈન્ટરનૅશનલ સ્કૂલની એડ્મિશન ઑફિસરને સ્કૂલના ઑફિશિયલ ઈ-મેઈલ આઈડી પર શનિવારની સવારે ધમકીભર્યો મેસેજ મળ્યો હતો. આ મેસેજ દિવિજ પ્રભાકર લક્ષ્મીના ઈ-મેઈલ એકાઉન્ટ પરથી મોકલવામાં આવ્યો હતો.

મેઈલમાં જણાવાયું હતું કે હૈદરાબાદમાં બળાત્કાર પીડિતાને ન્યાય આપવા માટે તમારી શાળામાં સોમવારની બપોરે એક વાગ્યે બૉમ્બ બ્લાસ્ટ થશે. બળાત્કાર પીડિતા અને દહેજ માટે જીવ ગુમાવનારી પરિણીતાઓને ન્યાય મળે તે માટે અમે આ બ્લાસ્ટ કરીશું. પોલીસ ઊંઘી રહી છે. તે કંઈ કરતી નથી અને તપાસ યોગ્ય રીતે કરતી નથી.

આ પણ વાંચો: પત્ની સાથેના ઝઘડાનો ગુસ્સો ઍરપોર્ટ પર બ્લાસ્ટની ધમકી આપી ઉતાર્યો: પતિ પકડાયો

આવી જ ધમકી આપતા ઈ-મેઈલ મીરા રોડ અને ભાયંદરની સ્કૂલને પણ મોકલવામાં આવ્યા હતા. આ પ્રકરણે દેવનાર પોલીસે રવિવારે ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો અને ઈન્ફર્મેશન ટેક્નોલૉજી (આઈટી) ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. નોંધનીય છે કે પોલીસે આ મામલે આઈટી ઍક્ટની કલમ 66એફ પણ લાગુ કરી હતી, જે સાયબર ટેરરિઝમ સંબંધી છે.
અધિકારીના જણાવ્યા મુજબ કાંદિવલી પૂર્વમાં ઠાકુર કોમ્પ્લેક્સ ખાતેની રાયન ઈન્ટરનૅશનલ સ્કૂલને પણ આવો જ મેઈલ મળ્યો હતો. એમાં પણ આરોપીએ એ જ ઈ-મેઈલ આઈડીનો ઉપયોગ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ પ્રકરણે સમતા નગર પોલીસે ગુનો નોંધ્યો હતો.

પોલીસે ચારેય શાળામાં તપાસ કરી હતી, પરંતુ વિસ્ફોટક કે કોઈ શંકાસ્પદ વસ્તુ હાથ લાગી નહોતી. મેઈલ મોકલનારી વ્યક્તિને શોધી કાઢવા પોલીસ આઈપી એડ્રેસને ટ્રેસ કરી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Yogesh C Patel

મુંબઈ-સિટી-ડેસ્ક તેઓ દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક… More »
Back to top button