આમચી મુંબઈ

મુંબઈ સહિત પરાના વિસ્તારમાં વીજળીના કડાકા સાથે વરસાદ: કલ્યાણમાં બિલ્ડિંગનો સ્લેબ પડ્યો, 6 જણના મોત

મુંબઈ/બેંગલુરુઃ મુંબઈ સહિત મહારાષ્ટ્રના વાતાવરણમાં આજે અચાનક પલટો જોવા મળ્યો. મુંબઈ, થાણે, પાલઘરમાં સાંજ પછી વંટોળ સાથે વાદળ છાયા વાતાવરણ સાથે રાતના વરસાદ પડ્યો હતો. મુંબઈમાં ખાસ કરીને કાંદિવલી, બોરીવલી, અંધેરી, બાંદ્રા, ઘાટકોપર, થાણે, ડોંબિવલીમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો. વરસાદ વચ્ચે મુંબઈની લોકલ ટ્રેનસેવા પર અસર જોવા મળી હતી, જ્યારે વાડી બંદર યાર્ડમાં એક ટ્રેનના કોચમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. મહાનગરી એક્સપ્રેસના એક કોચમાં આગ લાગી હતી પણ થોડા સમયમાં આગ પર નિયત્રંણ મેળવી લીધું હતું.

આજે સાંજ પછી મુંબઈ સહિત અમુક પરાના વિસ્તારોમાં વંટોળ સાથે જોરદાર પવન ફૂંકાવવાની સાથે વરસાદ પડ્યો હતો. મુંબઈમાં સૌથી વધુ વરસાદ જોગેશ્વરી, ડોંગરી, સાંતાક્રુઝ, વિલપાર્લે, દિડોશીમાં વરસાદ પડ્યો હતો. બીજી બાજુ કલ્યાણમાં જર્જરિત બિલ્ડિંગનો સ્લેબ તૂટતા 6 લોકોના મોત થયા હતા.

કલ્યાણ પૂર્વ સ્થિત સપ્તશ્રૃંગી નામની ઇમારતનો સ્લેબ તૂટી પડવાને કારણે 6 લોકોના મોત થયા હતા. 6 જણને ગંભીર ઇજા પહોંચી હતી. આ ઇમારત 35 વર્ષ જુની હોવાનું કહેવાય છે, જ્યારે બાવન પરિવાર રહે છે. આ બનાવ બપોરે અઢી વાગ્યાના સુમારે બન્યો હતો. જોકે, બનાવ પછી ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

આ બનાવ એ વખતે બન્યો જ્યારે ચાર માળની ઇમારતમાંથી બે માળનો સ્લેબ પત્તાના મહેલની માફક ધસી પડ્યા અમે અને તેના કાટમાળ નીચે અનેક લોકો દટાયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા છે, જ્યારે 6 જણને ગંભીર ઇજા પહોંચી છે. આ દુર્ઘટના અંગે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે દુઃખ વ્યક્ત કર્યું હતું અને મૃતકના પરિવારને પાંચ લાખનું વળતર આપવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો…ચોમાસા પૂર્વે પુણે એરપોર્ટની હાલત ખરાબ: કમોસમી વરસાદથી પ્રવાસીઓ મુશ્કેલીમાં

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button