મુંબઈના રેલવે સ્ટેશનોના ‘ઈમર્જન્સી મેડિકલ રુમ’ કરાયા બંધઃ ઘાયલોની કેમ થશે સારવાર?

મુંબઈઃ સબર્બન મુંબઈ રેલવેના નેટવર્કમાં રોજની 3,200થી વધુ લોકલ સર્વિસ દોડાવાય છે, જ્યારે નિરંતર નેટવર્ક વધતું જાય છે તેની સાથે અકસ્માતોનું પ્રમાણ ઘટ્યું નથી. વધતા અકસ્માતોને કારણે ઈમર્જન્સીમાં ઘાયલ પ્રવાસીની સારવાર માટે અગાઉ શરુ કરવામાં આવેલા ઈમર્જન્સી મેડિકલ સેન્ટરને હવે બંધ કરતા રેલવે પેસેન્જર એસોસિયેશને ચિંતા વ્યક્ત કરી હતી.
મુંબઈના મહત્ત્વના રેલવે સ્ટેશનના પરિસરમાં ઈમર્જન્સી મેડિકલ રુમ બંધ કરવા અંગેની આરટીઆઈના જવાબમાં ચોંકાવનારી માહિતી જાણવા મળી હતી. મધ્ય રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર કર્જત, કલ્યાણ, કુર્લા, ઉલ્હાસનગર, ચેમ્બુર, કલવા, દાદર, વાશી, ઘાટકોપર અને ભાંડુપ સ્ટેશનો પર 2023માં ઓપરેશનલ ઈમરજન્સી મેડિકલ રૂમ હતા. કર્જત ખાતે ઇમરજન્સી મેડિકલ રૂમ 15 ડિસેમ્બર, 2023ના રોજ બંધ કરવામાં આવ્યા હતા.
આપણ વાંચો: નવી મુંબઈ રેલવે સ્ટેશન પરથી 12 વર્ષની બાળકી મળી, મેડિકલ તપાસમાં ચોંકાવનારો ખુલાસો
આ ઉપરાંત, 20 નવેમ્બર, 2023ના રોજ કુર્લા, 1 ડિસેમ્બર, 2023ના રોજ ઉલ્હાસનગર, 19 નવેમ્બર, 2023ના રોજ ચેમ્બુર, 20 નવેમ્બર, 2023ના રોજ કાલવા; અને 29 નવેમ્બર, 2023ના રોજ ભાંડુપ, 20 જૂન, 2024ના થાણે, 18 જૂન, 2024ના ટિટવાલા, 18 જૂન, 2024ના રોજ માનખુર્દ; અને 18 જૂન, 2024ના રોજ પનવેલ. ગોવંડીનો મેડિકલ રૂમ જાન્યુઆરી 2024માં બંધ કરવામાં આવ્યો હતો, અને વિક્રોલીનો 2 ડિસેમ્બરના રોજ બંધ કરવામાં આવ્યો હતો.
એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર આ ઇમરજન્સી મેડિકલ રૂમને બંધ કરવા પાછળનું પ્રાથમિક કારણ ડોકટરોની અનુપલબ્ધતા હતી. નિરીક્ષણ દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે ઘણા ઇમરજન્સી મેડિકલ રૂમમાં ડોકટરો હાજર નહોતા, અને માત્ર નર્સો અને અન્ય સહાયક સ્ટાફ તબીબી રૂમ ચલાવી રહ્યા હતા. તેઓ પણ અનેક વખત ગેરહાજર રહેતા હતા અને કટોકટીની પરિસ્થિતિઓને સંભાળવામાં અસમર્થ હતા.
આપણ વાંચો: ઊલમાંથી ચુલમાંઃ નવા Timetable પછી પણ મુંબઈ રેલવેના પ્રવાસીઓની પરેશાની વધી…
જો કે, જ્યારે મધ્ય રેલવેના અધિકારીએ કહ્યું હતું કે હાલમાં, કલ્યાણ, વાશી, ભાયખલા, વિક્રોલી અને ઘાટકોપર સહિત પાંચ સ્ટેશન પર ઇમરજન્સી મેડિકલ રૂમ કાર્યરત છે. ઉપરાંત મધ્ય રેલવેએ જરૂરિયાતમંદોને સારવાર આપવા માટે નજીકની 74 હોસ્પિટલ સાથે કરાર કર્યા છે. આ હોસ્પિટલો 41 ઉપનગરીય સ્ટેશનોને આવરી લે છે.
વધુમાં, બાકીના સ્ટેશનોને આવરી લેવા માટે નજીકની હોસ્પિટલો સાથે કરાર પર હસ્તાક્ષર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું. જો કે, આ મુદ્દે રેલવે એક્ટિવિસ્ટે રેલવે સ્ટેશનના પરિસરમાં ઈમર્જન્સી મેડિકલ રુમ બંધ કરવાની બાબત કમનસીબ છે. હજુ પણ મુંબઈના રેલવે સ્ટેશનોની હદમાં અકસ્માતનું પ્રમાણ નહીંવત રહ્યું નથી, તેથી આ ઈમર્જન્સી સેન્ટર ચાલુ રહે એ પ્રવાસીઓના હિતમાં છે, એમ તેમણે જણાવ્યું હતું.