બાપ્પાની સવારી આવી રહે છેઃ મુંબઈ પોલીસે હાથ ધરી તૈયારીઓ, આટલી આપી સૂચનાઓ

મુંબઈ: ગણેશોત્સવ મહારાષ્ટ્રનો મુખ્ય તહેવાર છે. આ સમય દરમ્યાન આખા મહારાષ્ટ્રમાં ભક્તિમય વાતાવરણ જોવા મળે છે. ઠેર ઠેર ગણપતિ બાપ્પા મોરયા!નો સાદ ગુંજી ઊઠે છે. ગણેશ ઉત્સવનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ મુંબઈમાં ભક્તિ અને આનંદનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ વખતે પાલિકા પહેલા સુરક્ષાના સંદર્ભમાં પોલીસ પ્રશાસને કમર કસી દીધી છે ત્યારે પોલીસ પ્રશાસનની સજ્જતા અને અગમચેતીના શું પગલાં ભર્યા છે.
મુંબઈ પોલીસે પણ શહેરની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેની તૈયારીઓ શરુ કરી દીધી છે. પોલીસ મુખ્યાલય ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં ગણેશ મંડળોના પ્રતિનિધિઓ સાથે સુરક્ષા ઉપાયો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને ભક્તોની સુરક્ષાને લઈ મહત્ત્વના સૂચનો કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: ગણેશોત્સવ માટે પોલીસ દળ સજ્જ
ભીડ નિયંત્રણ માટે સ્વયંસેવકોની મદદ
ગણેશ મંડળોને ભીડ અને કટોકટીનો સામનો કરવા માટે તબીબી સહાય કેન્દ્રો સ્થાપવાની સલાહ આપવામાં આવી છે. ભીડ નિયંત્રણ અને ટ્રાફિક નિયમન માટે સ્વયંસેવકોની મદદ લેવા માટે એક ખાસ યોજના તૈયાર કરવામાં આવી રહી છે.
સમિતિઓએ સૂચનાનું પાલન કરવું પડશે
આ વખતે પોલીસ અને ગણેશ મંડળો એક ટીમ તરીકે સાથે મળીને ગણેશ ઉત્સવને સલામત, શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે ઉજવશે. સમિતિઓએ પણ તમામ સૂચનાઓનું પાલન કરીને પોલીસને સંપૂર્ણ સહયોગ કરવાનું વચન આપ્યું છે.
આ પણ વાંચો: ગણેશોત્સવ મંડળોને ઓનલાઈન મંજૂરી માટે વન વિન્ડો સિસ્ટમ
બાપ્પાના આગમનને લઈ આ તારીખો નોંધી લો
આ વર્ષે મુંબઈમાં 10, 15, 17 અને 23 ઓગસ્ટના રોજ ગણપતિ આગમનને લઈને ભારે ઉત્સાહ જોવા મળશે. મુંબઈના ખેતવાડી, પરેલ, ચેમ્બુર, દાદર, સાયન અને ધારાવી જેવા વિસ્તારોમાં, મોટા ગણેશ મંડળો ભવ્ય શોભાયાત્રા કાઢશે જેમાં હજારો ભક્તો ભાગ લેશે.
પોલીસની સૂચનાઓ જાણો
- દરેક ગણેશ મંડળમાં સીસીટીવી કેમેરા ફરજિયાત લગાવવા
- સુરક્ષા ગાર્ડની નિમણૂક કરવી
- મહિલાઓની સુરક્ષા પર ખાસ ધ્યાન આપવું
- વિસર્જનનો માર્ગ પૂર્વનિર્ધારિત રહેશે અને તેનું કડક પાલન સુનિશ્ચિત કરવામાં આવશે.
- પોલીસે એ પણ સ્પષ્ટ કર્યું કે વિસર્જન દરમિયાન કોઈપણ પ્રકારની દુર્ઘટના ટાળવા માટે સલામતીના પગલાં અગાઉથી લેવામાં આવશે. આ વર્ષે, વિસર્જનના દિવસે દરિયાની સપાટી લગભગ 4.5 મીટર વધવાની ધારણા છે, જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ સાવધાની રાખવામાં આવશે