આમચી મુંબઈમહારાષ્ટ્ર

પોલીસદળનું બળ વધારશે ‘અશ્વબળ’: સરકારે 36 કરોડ રૂપિયાનું ભંડોળ મંજૂર કર્યું

મુંબઈ: ભારતીય સેનામાં આજે પણ અશ્વદળ છે અને રાજસ્થાન જેવા રણ પ્રદેશમાં આજે પણ ઊંટ પર બેસીને પેટ્રોલિંગ કરીને સરહદોની સુરક્ષા કરવામાં આવે છે. જોકે હવે મુંબઈ પોલીસ માટે પણ ખાસ યુનિટ ઊભી કરવામાં આવશે, જે અશ્વ એટલે કે ઘોડાઓનો ઉપયોગ કરશે અને આ માટે નાણા ભંડોળ ફાળવવાની મંજૂરી પણ રાજ્યના પ્રધાનમંડળે આપી દીધી છે.

રાજ્ય સરકારે પોલીસ દળ માટે મજબૂત ઘોડાઓની ખરીદી માટે 36 કરોડ રૂપિયાનું ભંડોળ મંજૂર કર્યું છે. ઘોડાઓ માટે તમામ સુવિધા ધરાવતા તબેલા પણ ઊભા કરવામાં આવશે અને સાથે સાથે પોલીસ દળના જવાનોને ઘોડેસવારીની તાલીમ પણ આપવામાં આવશે. અશ્વોના આહાર અને અશ્વો પર પેટ્રોલિંગ કઇ રીતે કરવું વગેરે બાબત પોલીસ દળને શીખવવામાં આવી રહી છે. રાજ્ય સરકારના આ નિર્ણયને પગલે હવે મુંબઈ પોલીસને નવી નક્કોર ‘માઉન્ટેડ પોલીસ યુનિટ’ મળશે.

આ પણ વાંચો: ભારતીય સેનાએ આતંકવાદી પર જાહેર કર્યું 20 લાખનું ઈનામ, 2 આતંકીઓના સ્કેચ જાહેર

ઉલ્લેખનીય છે કે બ્રિટિશના શાસનકાળ દરમિયાન મુંબઈમાં પોલીસનું અશ્વ કાર્યરત હતું અને તે ફરીથી શરૂ કરવાના પ્રયત્નો 2018-19માં શરૂ થયા હતા. 2020માં આ યુનિટ ઊભું કરવા માટે 13 ઘોડા ખરીદવામાં પણ આવ્યા હતા. જોકે, ભંડોળ ઓછું હોવાના કારણે રેસકોર્સમાંથી નિવૃત્ત થયેલા અને મોટી ઉંમરના ઘોડાઓની ખરીદી એ વખતે કરવામાં આવી હતી.

આ ઉપરાંત તબેલા માટે જગ્યા, તેમના આહાર પ્રત્યે ઉદાસીનતા વગેરે અનેક સમસ્યાઓ એ વખતે ઊભી થઇ હતી. જેના કારણે છ ઘોડાઓના મૃત્યુ પણ થયા હતા. જેને પગલે પાંચ ઘોડાઓને નાશિક ટ્રેનિંગ સેન્ટરમાં મોકલી આપવામાં આવ્યા હતા.

હાલ પોલીસ દળ પાસે બે ઘોડા છે, પરંતુ પેટ્રોલિંગ માટે તેમનો ઉપયોગ કરવામાં આવતો નથી. કોલકતા, કેરળ, કર્ણાટક, હૈદરાબાદ, ચેન્નઇ પોલીસ પાસે પણ પોતાનું અશ્ર્વદળ છે. હવે મહારાષ્ટ્ર પોલીસને પણ પોતાની માઉન્ટેડ પોલીસ યુનિટ મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button