મુંબઈના પોલીસ કમિશનર ફણસલકરને એડિશનલ ચાર્જ
મુંબઈ: ચૂંટણી પંચના આદેશને પગલે સોમવારે રાજ્યનાં ડીજીપી રશ્મી શુક્લાની બદલીના કલાકો બાદ રાજ્ય સરકારે મુંબઈના પોલીસ કમિશનર વિવેક ફણસલકરને મહારાષ્ટ્ર ડિરેક્ટર જનરલ ઑફ પોલીસનો એડિશનલ ચાર્જ સોંપ્યો હતો.
કૉંગ્રેસ રહિતના રાજકીય પક્ષોએ કરેલી ફરિયાદને આધારે 20 નવેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ચૂંટણી પંચે મહારાષ્ટ્રની પ્રથમ મહિલા ડીજીપી રશ્મી શુક્લાની તત્કાળ અસરથી બદલીનો આદેશ સોમવારે આપ્યો હતો.
ચૂંટણી પંચે મહારાષ્ટ્રના મુખ્ય સચિવને શુક્લાનો ચાર્જ તેના પછીના સૌથી સિનિયર આઈપીએસ અધિકારીને સોંપવા જણાવ્યું હતું.
અધિકારીએ જણાવ્યું હતું કે શુક્લાની બદલીને કારણે નવા પોલીસ વડાની નિયુક્તિ થાય ત્યાં સુધી 1989 બૅચના આઈપીએસ અધિકારી ફણસલકરને ડીજીપીનો વધારાનો પદભાર સોંપાયો હતો.
આપણ વાંચો: દિવાળી પર ફરવા જાઓ છો? ઘરને સુરક્ષિત રાખવા અમદાવાદ પોલીસ કમિશનરે આપી આવી સલાહ
ફણસલકરને બીજી વાર પોલીસ વડાની વધારાની જવાબદારી સોંપાઈ છે. અગાઉ તત્કાલીન ડીજીપી રજનીશ શેઠની નિવૃત્તિ પછી 31 ડિસેમ્બર, 2023થી 9 જાન્યુઆરી, 2024 દરમિયાન 10 દિવસ ફણસલકરે ડીજીપીનો કાર્યભાર સંભાળ્યો હતો.
1988 બૅચનાં આઈપીએસ અધિકારી શુક્લા મહા વિકાસ આઘાડીના અનેક નેતાઓનું ગેરકાયદે ફોન ટેપિંગ કરવાના આરોપનો સામનો કરી રહ્યાં છે. તે સમયે શુક્લા સ્ટેટ ઈન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ (એસઆઈડી)નાં ચીફ હતાં. કથિત ફોન ટેપિંગ મામલે ત્રણ ગુના નોંધાયા હતા, જેમાંથી બેમાં શુક્લાનું પણ નામ હતું. જોકે સપ્ટેમ્બર, 2023માં બૉમ્બે હાઈ કોર્ટે શુક્લા વિરુદ્ધ નોંધાયેલા બન્ને એફઆઈઆર રદ કર્યા હતા.
જૂન, 2024માં શુક્લા પોલીસ સેવામાંથી નિવૃત્ત થવાનાં હતાં, પરંતુ મહાયુતી સરકારે તેમની હોદ્દા પરની મુદત બે વર્ષ વધારી હતી. રાજ્ય સરકારે કોઈ ડીજીપીની બે વર્ષ માટે મુદત વધારી હોવાનું પહેલી વાર બન્યું હતું. (પીટીઆઈ)