આમચી મુંબઈ

મુંબઈ મહાપાલિકા ચૂંટણી: કૉંગ્રેસે 87 ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી, વંચિત બહુજન આઘાડી સાથે ગઠબંધન

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની 2026ની ચૂંટણીમાં આ વખતે અલગ જ માહોલ રહેવાનો છે. વર્ષોથી સાથે રહેલા પક્ષો અલગ અલગ ચૂંટણી લડવાના છે, જેમાં મહાવિકાસ આઘાડીમાંથી છૂટા પડી કૉંગ્રેસે લગભગ પચીસ વર્ષ બાદ પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન આઘાડી સાથે યુતિ કરી છે. વિધાનસભા અને લોકસભા સાથે લડનારા મહાવિકાસ આઘાડીના સાથી પક્ષ ઉદ્ધવ ઠાકરેએ મનસે સાથે યુતિ કરતાં કૉંગ્રેસે યુબીટી સાથે છેડો ફાડી અલગ રીતે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે, જેમાં કૉંગ્રેસના વર્ષોના સાથીદાર શરદ પવારે કૉંગ્રેસ સાથે જવાને બદલે યુબીટી અને મનસે સાથે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હોવાનું કહેવાય છે. જોકે તેમણે સત્તાવાર આ બાબતે કોઈ સ્પષ્ટતા કરી નથી અને ચૂંટણી સાથે જ લડવાના હોવાનો દાવો કરી રહ્યા છે. સોમવારે મોડેથી કૉંગ્રેસે 87 ઉમેદવારનાં નામ જાહેર કર્યાં હતાં.

કૉંગ્રેસે પ્રકાશ આંબેડકરની બહુજન વંચિત સાથે યુતિ કર્યા પછી મુંબઈ મહાપાલિકાની 227 બેઠકમાંથી બહુજન વંચિતને 82 બેઠક આપી છે, જ્યારે બાકીની બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર ચૂંટણી લડવાના છે.

મહાપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાનો છેલ્લો દિવસ મંગળવારે છે ત્યારે સોમવારે કૉંગ્રેસે 87 ઉમેદવારનાં નામ જાહેર કર્યાં હતાં, જેમાં ચાર ઉમેદવાર ગુજરાતી છે. 2017માં ચૂંટાયેલા નગરસેવકોમાંથી અમુકને કૉંગ્રેસે આ વખતની ચૂંટણીમાં પણ ઉમેદવારી આપી છે, જ્યારે બાકીના નવા ઉમેદવારો કૉંગ્રેસની સીટ પરથી ચૂંટણી લડવાના હોવાનું જાણવા મળ્યું હતું.

2017માં ચૂંટાયેલાં મોનિકા વાડેકર, મેહેર મૌસીન હૈદર, તુલિપ મિરાંડા, સાઝિદા ખાન, નિયાઝ વાનુ, શીતલ મ્હાત્રેને આગામી ચૂંટણી માટે ઉમેદવારી મળી છે. કૉંગ્રેસના બાકીના ઉમેદવારોની યાદી પર ઇચ્છુકોની નજર હોવાનું કહેવાય છે.

એનસીપી (એસપી)ના સાત ઉમેદવાર જાહેર

એનસીપીના શરદ પવારના પક્ષ દ્વારા ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદીમાં માત્ર સાત ઉમેદવારનાં નામ છે. શરદ પવારે મુંબઈ મહાપાલિકાની ચૂંટણી શિવસેના (યુબીટી) અને મનસે સાથે લડવાનું નક્કી કર્યું છે. બે દિવસ અગાઉ જ શરદ પવારના પક્ષના વરિષ્ઠ નેતા જયંત પાટીલે ઉદ્ધવ ઠાકરે સાથે તેમના નિવાસસ્થાન માતોક્ષી ખાતે મીટિંગ કરી હતી.

તે સમયે મહાપાલિકાની ચૂંટણી માટે સીટ અંગે ચર્ચા કરવામાં આવી હોવાની સ્પષ્ટતા કરી હતી. સીટની વહેંચણી નક્કી થયા પછી સોમવારે શરદ પવારના પક્ષ દ્વારા સાત ઉમેદવારની યાદી જાહેર કરાઈ હતી. ઘાટકોપરની ભૂતપૂર્વ નગરસેવિકા રાખી જાધવ અને વિક્રોલીની ભૂતપૂર્વ નગરસેવિકા મનીષા રહાટે શરદ પવારના પક્ષમાંથી અનુક્રમે ભાજપ અને અજિત પવારના જૂથમાં જોડાઈ હતી.

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button