ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટોના અસરગ્રસ્તોને ઘરની સામે હવે રોકડા પણ મળશે
યોજનાઓને વેગ આપવા એમએમઆરડીએની નવી નીતિ: પહેલાં ઘરની સામે ઘર જ મળતું હતું: હવે રેડી રેકનર દર પ્રમાણે ઓછામાં ઓછું પચીસ લાખનું વળતર

મુંબઈ: ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટોથી અસરગ્રસ્ત લોકોનું પુનર્વસન ઝડપથી થાય તે માટે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ઓથોરિટી નવી નાણાકીય વળતર નીતિ અમલમાં મૂકવાની છે, જે અંતર્ગત ઈન્ફ્રાસ્ટ્રક્ટચર પ્રોજેક્ટ દરમ્યાન અસરગ્રસ્ત થનારા નાગરિકો હવે ઘરને બદલે પૈસાનું પણ વળતર મેળવી શકશે. આ પોલિસીને કારણે પુનર્વસન સાથે જોડાયેલી અનેક અડચણો દૂર થવાની શકયતા છે. એ સાથે જ મેટ્રો રેલ, શિવડી-વરલી એલિવેટેડ કોરિડોર સહિત અનેક યોજનાઓનું કામ પણ ઝડપથી થવાની શક્યતા છે.
નવી પોલિસી અંતર્ગત હવેથી પ્રોજેક્ટ અસરગ્રસ્ત પીપલ (પીએપી) જેમાં રહેણાંક તથા કર્મશિયલ આ બંનેમાં પાત્રતા ધરાવતા લોકો પચીસ લાખ રૂપિયા સુધીનું વળતર મેળવી શકશે. અગાઉ અસરગ્રસ્ત લોકોને તેમનું ઘર જાય તો તેના બદલામાં વળતર તરીકે ઘર જ મળતું હતું. જોકે તેને કારણે ઘણા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનું કામ અટવાઈ પડતું અથવા તો અમુકના કામ ધીમી ગતિએ ચાલી રહ્યા છે.
નવી પોલિસી ૬,૩૦૦ અસરગ્રસ્તોને ફાયદો કરાવશે. અસરગ્રસ્તોને વળતર રેડી રેકનરના દરના આધાર પર તેમ જ મુંબઈ મહાનગરપાલિકાની ૨૦૨૩ની ગાઈડલાઈનને આધારે આપવામાં આવશે. એમએમઆરડીએની ૧૫૯મી બેઠકમાં એમએમઆરડીએના ચેરમેન અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વમાં યોજાઈ હતી, જેેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : ન્યૂ ઇન્ડિયા કો-ઓપ. બૅંક સ્કૅમ: 168 કરોડ રૂપિયાની મિલકતોને ટાંચ મારવાની પોલીસને મળી મંજૂરી
મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ (એમયુટીપી) અંતર્ગત શહેરમાં ટ્રાન્સપોર્ટ નેટવર્કને મજબૂત બનાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં હવે એમએમઆરડીએની નવી નાણાકીય વળતર નીતિને કારણે અસરગ્રસ્તો વળતરમાં પૈસા લેવાનો વિકલ્પ પસંદ કરશે એવું માનવામાં આવે છે.
એક પ્રાથમિક સર્વેક્ષણ મુજબ હાલ ચાલી રહેલા પ્રોજેક્ટ સહિત શિવડી-વરલી એલિવેટેડ કોરિડોર અને થાણે (ટીકુજીની વાડી)થી માનખુર્દ-બોરીવલી અંડરગ્રાઉન્ડ રોડના પ્રોજેક્ટમાં લગભગ ૬,૩૦૦ લોકો અસરગ્રસ્ત થવાના છે. આ પોલિસીને કારણે હવે અસરગ્રસ્તોને ઝડપથી વળતર મળતા કામ પણ ઝડપથી આગળ વધશે એવો દાવો એમએમઆરડીએ કર્યો હતો.
મુંબઈ મહાનગરપાલિકાએ ૩ માર્ચ, જુલાઈ ૨૦૨૩ના બહાર પાડેલા સર્ક્યુલર મુજબ જ એમએમઆરડીએ પણ આ પોલિસીને અમલમાં મૂકી છે, જેમાં પુનર્વસન હેઠળ ઘરને બદલે પૈસાનું વળતર લેવાનો વિકલ્પ આપવામાં આવશે.
આ પણ વાંચો : વક્ફ બિલ મુદ્દે ઉદ્ધવ ઠાકરેએ પોતે કરી સ્પષ્ટતા, અમુક સુધારા સારા પણ…
નવી પોલિસી અંતર્ગત રહેણાંક અસરગ્રસ્તોને રેડી રેકનરના દરના આધારે વળતર આપવામાં આવશે અને આ વળતર પ્રભાવિત વ્યક્તિની શ્રેણી અને સ્થળના અનુસાર હશે. રહેણાંક અસરગ્રસ્તોને મિનિમમ વળતર પચીસ લાખ રૂપિયા સુધીનુું મળશે, જેમાં પાત્રતા ધરાવતા કાયદેસર બાંધકામ અને અતિક્રમણ કરનારા સહિત ઝૂંપડપટ્ટીનો સમાવેશ થાય છે.