મુંબઈ મેટ્રો-3 પ્રવાસીઓ માટે ખુશખબર: હવે ટિકિટ વિન્ડોની ઝંઝટ નહીં, WhatsApp પર મળશે મેટ્રો ટિકિટ!

મુંબઈઃ મુંબઈમાં લોકલ ટ્રેન અને મેટ્રો માટે પ્રવાસીઓને મહત્તમ સુવિધા પૂરી પાડવાના ભાગરુપે પ્રશાસન એક પછી એક નવા પ્રયાસો કરી રહ્યું છે. મુંબઈ અંડરગ્રાઉન્ડ મેટ્રો-થ્રી સંપૂર્ણ કોરિડોરમાં શરુ કરવામાં આવ્યા પછી મેટ્રો પ્રશાસને પ્રવાસીઓની સુવિધા માટે વોટ્સએપ પર પણ ટિકિટ પૂરી પાડવામાં આવશે, જેથી ટિકિટ વિન્ડોની ઝંઝટ દૂર થશે.
મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન (MMRC)એ હવે મેટ્રો મુસાફરો માટે WhatsApp દ્વારા ટિકિટ બુક કરવાનું શક્ય બનાવ્યું છે. આ સુવિધા પેલોકલ ફિનટેક પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી શરૂ કરવામાં આવી છે. આ સેવાનો લાભ લેવા માટે, મુસાફરોએ અલગ એપ ડાઉનલોડ કરવાની જરૂર નથી પરંતુ તેઓ સીધા તેમના વોટ્સએપ એકાઉન્ટથી ટિકિટ ખરીદી શકે છે.
આ માટે, તમે +91 9873016836 પર “Hi” મેસેજ મોકલી શકો છો અથવા સ્ટેશન પર પોસ્ટ કરાયેલ QR કોડ સ્કેન કરી શકો છો અને તમારી QR ટિકિટ થોડીવારમાં ઉપલબ્ધ થઈ જશે. અમારું લક્ષ્ય મુસાફરોની સુવિધા માટે વધુને વધુ સ્માર્ટ અને ઉપયોગમાં સરળ સુવિધાઓ પૂરી પાડવાનું છે, એમ એમએમઆરસીનાં મેનેજિંગ ડિરેક્ટર અશ્વિની ભીડેએ જણાવ્યું હતું.
MMRC અને PeLocalના સહયોગથી શરૂ કરાયેલી આ પહેલનો ભાગ બનવાનો અમને આનંદ છે. આ સેવા સાથે, મેટ્રો ટિકિટ બુક કરાવવી હવે સંદેશ મોકલવા જેટલું જ સરળ બનશે, જે મુસાફરોને ઝડપી, આરામદાયક અને પર્યાવરણને અનુકૂળ મુસાફરીનો અનુભવ પ્રદાન કરશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
દિલ્હી મેટ્રો, બસ ઇન્ડિયા, MMMOCL, DTC અને અન્ય પરિવહન સંગઠનો સાથે આ સેવા સફળતાપૂર્વક અમલમાં મૂક્યા પછી અમે હવે મુંબઈ મેટ્રો રૂટ-3 પર પણ આ સુવિધા લાવ્યા છીએ. આ પહેલે ડિજિટલ માધ્યમો દ્વારા જાહેર પરિવહનને વધુ સુલભ બનાવવાના અમારા પ્રયાસોમાં એક નવું પરિમાણ ઉમેર્યું છે, એમ તેમણે જણાવ્યું હતું.
આ પણ વાંચો…કાંજુરમાર્ગ-બદલાપુર મેટ્રો ૧૪ પ્રોજેક્ટ વિલંબમાં: ટેન્ડરને કોઈ પ્રતિસાદ નહીં