મુંબઈ મેટ્રો લાઇનના સંચાલન માટે સરકારની મોટી પહેલ: એક છત્ર હેઠળ લાવવા સમિતિ રચી

મુંબઈઃ મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR)માં મેટ્રો રેલ સેવાઓના સંચાલનને સુવ્યવસ્થિત કરવા તરફના એક મોટા પગલામાં મહારાષ્ટ્ર સરકારે આ ક્ષેત્રમાં કાર્યરત વિવિધ મેટ્રો રેલ એજન્સીને એકીકૃત કરવા માટેના પગલાંનો અભ્યાસ કરવા અને ભલામણ કરવા માટે એક ઉચ્ચ-સ્તરીય સમિતિની રચના કરી છે.
ગુરુવારે શહેરી વિકાસ વિભાગ દ્વારા જારી કરાયેલા સરકારી ઠરાવ (GR) દ્વારા આ નિર્ણયને ઔપચારિક સ્વરૂપ આપવામાં આવ્યું હતું. પેનલ તેની રચનાના ત્રણ મહિનાની અંદર તેનો અહેવાલ સુપરત કરે તેવી અપેક્ષા છે. નવી રચાયેલી સમિતિની અધ્યક્ષતા મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA)ના મેટ્રોપોલિટન કમિશનર કરશે, જ્યારે મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (MMRCL)ના ડિરેક્ટર (પ્લાનિંગ) સભ્ય-સચિવ તરીકે સેવા આપશે.
આ પણ વાંચો : મુંબઈની આર્થિક વિકાસ યોજના માટે MMRDA નો માસ્ટર પ્લાન તૈયાર…
હાલમાં એમએમઆરમાં મેટ્રો લાઇનનું સંચાલન કરતી ત્રણ સંસ્થા છે – મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન (એમએમઆરસી), શહેર અને ઔદ્યોગિક વિકાસ નિગમ (સિડકો) અને એમએમઆરડીએ. જીઆર મુજબ એમએમઆરમાં મેટ્રો સેવાઓના આયોજન, બાંધકામ અને સંચાલન માટે હાલમાં બહુવિધ એજન્સીઓ જવાબદાર હોવાના કારણે કાર્યો ઓવરલેપ થાય છે અને સંકલન પડકારો ઉભા થાય છે. રાજ્ય સરકાર હવે આ એજન્સીને એક જ, એકીકૃત મેટ્રો રેલ એન્ટિટીમાં મર્જ કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે જેથી કાર્યક્ષમતામાં વધારો થાય, કામગીરી સુવ્યવસ્થિત થાય અને એકંદર મુસાફરોના અનુભવમાં સુધારો થાય.
આ ટીમ MMR ની મેટ્રો લાઇન માટે ટ્રાન્સપોર્ટ ફોર લંડન (TfL) અને સિંગાપોરની લેન્ડ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી (LTA) જેવી પરિવહન સંસ્થાઓનો અભ્યાસ કરશે, જેથી શહેરની પરિવહન વ્યવસ્થા માટે સમાન સિસ્ટમની યોજના બનાવી શકાય.
આ પણ વાંચો : મુંબઈ મોનોરેલના મામલે MMRDAની મોટી કાર્યવાહીઃ 2 અધિકારી સસ્પેન્ડ
સમિતિને મર્જર માટે એક વ્યાપક રોડમેપ તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું છે, જેમાં સંપત્તિના તબક્કાવાર ટ્રાન્સફર, મૂલ્યાંકન પદ્ધતિઓ અને એકીકરણ માટેની સમયરેખાઓની વિગતો આપવામાં આવી છે. માળખાકીય અને કાર્યકારી પાસાઓ ઉપરાંત, સમિતિ મર્જર માટે જરૂરી વહીવટી, નાણાકીય અને કાનૂની માળખાની તપાસ કરશે.
એક વખત અમલમાં આવ્યા પછી આ સંકલન મુંબઈના શહેરી પરિવહન આયોજનમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ બની શકે છે, જે સંભવિત રીતે સમગ્ર મેટ્રોપોલિટન ક્ષેત્રમાં – આયોજન અને બાંધકામથી લઈને દૈનિક કામગીરી સુધી – એક સીમલેસ અને એકીકૃત મેટ્રો સિસ્ટમ માટે માર્ગ મોકળો કરશે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.



