મેટ્રોની વાતઃ મેટ્રો થ્રીના પ્રવાસીઓ માટે ખુશખબર, આજથી ટ્રેનોની ફેરીમાં થયો મોટો વધારો

મુંબઈ: મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશને (MMRC)એ નવા વર્ષમાં આરેથી કફ પરેડ ભૂગર્ભ મેટ્રો 3 લાઇન પર મુસાફરોને મોટી રાહત આપી છે. આજથી મેટ્રો 3 લાઇન પર ટ્રેનોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.
મુંબઈની પહેલી ભૂગર્ભ મેટ્રો લાઇન 3 ઓક્ટોબર 2024થી તબક્કાવાર કાર્યરત થઈ છે, અને ઓક્ટોબર 2025થી સંપૂર્ણ ક્ષમતાથી ચાલી રહી છે. આરેથી બીકેસી અને પછી આરેથી આચાર્ય અત્રે ચોક મેટ્રો સ્ટેશન વચ્ચે મુસાફરોનો પ્રતિસાદ ઓછો હતો, પરંતુ આ લાઇન પૂર્ણ ક્ષમતાથી એટલે કે આરેથી કફ પરેડ સુધી દોડવા લાગ્યા પછી મહાલક્ષ્મી, ગિરગાંવ, કાલબાદેવી, સીએસએમટી, ચર્ચગેટ, વિધાન ભવન જેવા મહત્વપૂર્ણ સ્થળથી પેસેન્જર ટ્રાફિક વધ્યો છે.
આપણ વાચો: હવે મેટ્રો 3 રવિવારે પણ સવારે ૬.૩૦ વાગ્યાથી દોડશે
મેટ્રો 3ને પ્રતિસાદ વધવા લાગ્યો છે. આજે 1.5 લાખથી વધુ મુસાફરો ભૂગર્ભ મેટ્રોમાં મુસાફરી કરે છે, જેમાં સૌથી વધુ સંખ્યા સીએસએમટીથી મુસાફરી કરે છે. મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને MMRCએ આજથી મેટ્રો ટ્રેનોની ફેરીમાં વધારો કર્યો છે.
MMRC દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર સોમવારથી શુક્રવાર સુધી મેટ્રો સેવાઓની સંખ્યામાં 27નો વધારો કરવામાં આવ્યો છે. તેથી, હવે સોમવારથી શુક્રવાર સુધી આ રૂટ પર 265 સેવાઓને બદલે 292 ટ્રેન દોડશે. શનિવારે પણ મેટ્રોની સંખ્યામાં 27નો વધારો થયો છે, જે શનિવારે 209 ટ્રિપ્સ હતી તે હવે 236 ટ્રિપ્સ હશે.
MMRC એ જણાવ્યું છે કે સોમવારથી શુક્રવાર અને શનિવારની સેવાઓમાં વધારો થયો હોવા છતાં રવિવારની સેવાઓમાં કોઈ વધારો થયો નથી. રવિવારે 198 ટ્રિપ્સ હશે. રજાના દિવસે મુસાફરોની સંખ્યા ઓછી હોવાથી, આ દિવસે ટ્રિપ્સમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. મેટ્રો 3 લાઇન પર મુસાફરોની સંખ્યામાં વધારો થવાથી, નવા વર્ષમાં ટ્રિપ્સમાં વધારો મુસાફરો માટે મોટી રાહત છે.



