મુંબઈ મેટ્રો 3: ઉદ્દઘાટન પહેલા જુઓ ગ્રાન્ટ રોડ મેટ્રો સ્ટેશનની અંદરનો નજારો

મુંબઈઃ મુંબઈગરાં જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તે મુંબઈ મેટ્રો 3 ના અંતિમ તબક્કાનું ઉદ્ઘાટન 8 ઓક્ટોબરના રોજ પીએમ મોદી દ્વારા થવાનું છે, જેના કારણે મુંબઈના પરિવહન માળખામાં મોટા પાયે સુધારો થવાનો અંદાજ છે, ત્યારે મુંબઈના મહત્ત્વના અંડરગ્રાઉન્ડ સ્ટેશનને તબક્કાવાર ખુલ્લા મૂકવામાં આવ્યા છે.
આગામી અઠવાડિયે ભવ્ય ઉદ્ઘાટન પહેલા મુંબઈ મેટ્રો 3 એ ગ્રાન્ટ રોડ મેટ્રો સ્ટેશનની અંદરની તસવીરો શેર કરી. આ તસવીરોમાં સ્ટેશનની આધુનિક ડિઝાઇન અને મુસાફરોને સેવા આપવા માટેની તૈયારીનો ખુલાસો થયો છે, જે દક્ષિણ મુંબઈના પરિવહન નેટવર્કમાં આવનારા પરિવર્તનની ઝલક આપે છે.
આ પણ વાંચો: ગૂડ ન્યૂઝ: મુંબઈ મેટ્રો-3 નો છેલ્લો તબક્કો આ મહિને શરૂ!
“ગ્રાન્ટ રોડ મેટ્રો સ્ટેશન – દક્ષિણ મુંબઈના ગતિશીલ કેન્દ્રોનું તમારું પ્રવેશદ્વાર! શાળાઓ, હોસ્પિટલો અને બજારોથી લઈને પ્રતિષ્ઠિત ગ્રાન્ટ રોડ પૂર્વ અને પશ્ચિમ સુધી, આ સ્ટેશન શહેરના સૌથી વ્યસ્ત વિસ્તારોમાંના એકમાં સીમલેસ મેટ્રો કનેક્ટિવિટી લાવે છે. #MumbaiMetro3 સાથે વધુ સ્માર્ટ, ઝડપી અને હરિયાળી મુસાફરી કરો,” મુંબઈ મેટ્રો 3 એ ફોટોગ્રાફ્સ સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.
૩૩.૫ કિ.મી.લાંબા કોલાબા-બાંદ્રા-સીપ્ઝ એક્વા લાઇનનો વરલી અને કફ પરેડ વચ્ચેનો અંતિમ ભાગ કાર્યરત થવાની ઘડીઓ ગણાઈ રહી છે. આ મુંબઈનો પહેલો સંપૂર્ણપણે ભૂગર્ભ મેટ્રો કોરિડોર હશે, જે ઝડપી અને હરિયાળી મુસાફરીનું વચન આપશે અને સાથે સાથે રસ્તા પર ભીડમાં નોંધપાત્ર ઘટાડો કરશે. આરે-JVLR અને બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC), અને BKCથી વર્લીના આચાર્ય અત્રે ચોક, એમ બે તબક્કા પહેલા જ કાર્યરત થઇ ચુક્યા છે.
આ પણ વાંચો: મહા મુંબઈ મેટ્રોનો ઐતિહાસિક વિક્રમ: 39 મહિનામાં 20 કરોડ પ્રવાસીઓએ કર્યો પ્રવાસ
એકવાર વરલી-કફ પરેડ વિભાગ ખુલી ગયા પછી આ કોરિડોર મુસાફરોને છ વ્યવસાયિક કેન્દ્રો, 30 મુખ્ય ઓફિસ હબ, 12 શૈક્ષણિક સંસ્થાઓ, 11 હોસ્પિટલ અને 25 સાંસ્કૃતિક અને ધાર્મિક સ્થળો સાથે જોડશે. મહત્વપૂર્ણ વાત એ છે કે તે ચર્ચગેટ અને સીએસએમટી ખાતે ઉપનગરીય રેલ સાથે સંકલિત થશે, જેનાથી પશ્ચિમ અને મધ્ય લાઇન પર ભારણ ઓછું થશે.