બોલો, મુંબઈ-સહરસા સ્પેશિયલ ટ્રેન 67 કલાક મોડી, જાણો વિલંબનું કારણ…

મુંબઈઃ મુંબઈ જેવા આર્થિક પાટનગરમાં લોકલ ટ્રેન પાંચેક મિનિટ મોડી પડે તો પ્રવાસીઓના જીવ અદ્ધર થઈ જાય છે. પ્રશાસન પ્રત્યે નારાજગી વ્યક્ત કરવાની સાથે અપશબ્દો કરવાનું પ્રવાસીઓ ચૂકતા નથી, પરંતુ હવે શિયાળાની સિઝન ચાલુ થઈ રહી છે, ત્યારે ગાઢ ધુમ્મસભર્યા વાતાવરણને કારણે સૌથી વધુ લાંબા અંતરની ટ્રેનની લેટ લતીફી વધશે. તાજેતરમાં મુંબઈના લોકમાન્ય ટિળક ટર્મિનસ (એલટીટી)થી ઉપડનારી ટ્રેન પાંચ પચીસ નહીં, પરંતુ 67 કલાકનો લેટમાર્ક લાગ્યો હતો, ચાલો જાણીએ સમગ્ર મામલો શું છે.
તહેવારોની સિઝનમાં જ્યારે ટ્રેનોમાં રિઝર્વેશનની ટિકિટ મળવાની મુશ્કેલી હોય છે, જ્યારે ટિકિટ કન્ફર્મ મળ્યા પછી જો ટ્રેન મોડી થાય ત્યારે શું થાય. રેલવેના અંધેર કારભારનો એક ચોંકાવનારો કિસ્સો જાણવા મળ્યો છે. મુંબઈના લોકમાન્ય ટિળક ટર્મિનસ (એલટીટી)થી સહરસા જનારી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન (05558) પચીસ-પચાસ નહીં, પણ પૂરા 67 કલાક લેટમાર્કને કારણે સૌને આશ્ચર્ય થયું હતું. લેટમાર્કને કારણે અમુક પ્રવાસીઓની તો ટિકિટની વેલિડિટી પૂરી થઈ ગઈ હતી, તો અમુકની રજા પૂરી થઈ ગઈ હતી.
મીડિયાના અહેવાલ અનુસાર નેશનલ ટ્રેન ઈન્ક્વાયરી સિસ્ટમ (એનટીઈએસ) મુજબ આ ટ્રેન છઠ્ઠી નવેમ્બરના સવારના 7.55 વાગ્યે એલટીટીથી રવાના થવાની હતી, પરંતુ રેક ઉપલબ્ધ નહીં હોવાને કારણે વેસ્ટર્ન રેલવેની ટ્રેન રી-શેડ્યૂલ કરવી પડી હતી. ત્યાર પછી રેલવેએ 65.05 કલાકનું સત્તાવાર રીતે રી-શેડ્યૂલ કર્યું હતું, પરિણામે આ ટ્રેન નવ તારીખના બપોરના ટ્રેનને 2.49 વાગ્યાના સુમારે મુંબઈથી રવાના કરી હતી.
વાસ્તવમાં જે દિવસે ટ્રેન રવાના થવાની હતી એ દિવસે તો ટ્રેન પ્લેટફોર્મ પણ નહોતી. લખાય છે ત્યારે ટ્રેનનું રનિંગ સ્ટેટસ જાણીએ તો રક્સોલ એટલે 1912 કિલોમીટરનું અંતર કાપીને આવતીકાલે સાંજના 4.50 વાગ્યે પહોંચી શકે છે. જો હજુ વધુ લેટમાર્ક લાગે નહીં તો.
આ ટ્રેનના મહત્ત્વના હોલ્ટ સ્ટેશનમાં મુઝફ્ફરપુર, સમસ્તીપુર અને બરૌની થઈને સહરસા જાય છે. મહિના પહેલા ટ્રેનનું બુકિંગ પ્રવાસીઓ કરતા હોય છે, પરંતુ આ ફેસ્ટિવલ ટ્રેનમાં રડ્યા ખડ્યા પ્રવાસીઓ ટ્રાવેલ કરનારા રહ્યા હશે અથવા તો જે લોકોને મોડે મોડે રિઝર્વેશન મળ્યું હોય એવા જ પ્રવાસીઓ રહ્યા હશે એટલું ચોક્કસ.
ટ્રેનના લેટમાર્કની વાત કરીએ તો 67 કલાક એટલે પોણો ત્રણ દિવસ. રેલવે પ્રવાસીએ કહ્યું કે રેલવે ફેસ્ટિવલ ટ્રેનની જાહેરાત કરે છે, પરંતુ રેક જ ના હોય તો રેલવે અધિકારીઓ શું કરે. એના પ્લાનિંગ અને જાહેરાતો પોકળ હોવી જોઈએ નહીં. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ભારતીય રેલવે 30 નવેમ્બરના અંત સુધીમાં 12,000થી વધુ સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે.



