Good News: 5 વર્ષમાં દોડશે 700થી વધુ નવી લોકલ ટ્રેન, જાણો રેલવેનો માસ્ટર પ્લાન?

પશ્ચિમ અને મધ્ય રેલવેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ દ્વારા પેસેન્જર ટ્રાફિકમાં ઘટાડો કરવાનું લક્ષ્ય
મુંબઈઃ મુંબઈ મેટ્રો પોલિટન રિજન (એમએમઆર)માં મેટ્રોના નેટવર્કમાં ફેલાવો થઈ રહ્યો છે, પરંતુ મુંબઈ લોકલ ટ્રેનના ભારણમાં લાંબાગાળે ઘટાડો થઈ શકે છે. મુંબઈ રેલવેના પેસેન્જર ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે રેલવેએ લાંબા ગાળાની યોજનાની જાહેરાત કરી છે, જેમાં આગામી પાંચ વર્ષમાં 700થી વધુ ટ્રેન દોડાવી શકાય છે. એવું તો રેલવે શું કરશે કે પશ્ચિમ અને મધ્ય રેલવેમાં વધુ લોકલ ટ્રેન દોડાવી શકાય છે એની વિગતો જાણીએ.
મધ્ય રેલવે (CR) અને પશ્ચિમ રેલવે (WR)ના અધિકારીઓની સંયુક્ત જાહેરાતમાં કહ્યું હતું કે તમામ માળખાગત સુવિધાઓના અપગ્રેડ પ્રોજેક્ટ્સ તબક્કાવાર પૂર્ણ થયા પછી આગામી ચારથી પાંચ વર્ષમાં ઉપનગરીય નેટવર્ક પર અનુક્રમે 584 અને 165 વધુ સેવાનો વધારો થઈ શકે છે.
પશ્ચિમ રેલવેમાં નજીકના ભવિષ્યમાં મુંબઈથી વધુ 65 લાંબા અંતરની ટ્રેન દોડશે. વધુમાં, હાલની ટ્રેનોમાં દરરોજ 70 કોચનો વધારો કરવામાં આવશે. મધ્ય રેલવેમાં 30 નવી આઉટસ્ટેશન ટ્રેન શરૂ કરવામાં આવશે. મધ્ય રેલવે પરેલ-કુર્લા પાંચમી અને 6ઠ્ઠી લાઇન, કુર્લા ખાતે હાર્બર લાઇન અને 5મી અને 6ઠ્ઠી લાઇન માટે ડેક અને કલ્યાણ-કસારા 3જી અને 4થી લાઇનને અપગ્રેડ કરશે.
પશ્ચિમ રેલવેના મુખ્ય પ્રવક્તા વિનીત અભિષેકે જણાવ્યું હતું કે આનો ઉદ્દેશ્ય ઉપનગરીય અને લાંબા અંતરની ટ્રેનોમાં વહન ક્ષમતા વધારવાનો અને વધુ મહત્વનું, ઉપનગરીય કોચમાં ભીડ ઘટાડવાનો છે.
બોરીવલી સુધી છઠ્ઠી લાઇન વિસ્તરણ કાર્ય પૂર્ણ થયા પછી 20 જેટલી નવી ટ્રેન સેવાઓ શરૂ કરવામાં આવશે, જ્યારે નજીકના ભવિષ્યમાં નવી એસી લોકલ ટ્રેનો પણ શરૂ કરવામાં આવશે, જે નવા એસી રેક ક્યારે તૈયાર થશે તેના આધારે છે. હાલમાં, પશ્ચિમ રેલ્વે 116 રેક દ્વારા દરરોજ 1,406 ઉપનગરીય સેવાઓ ચલાવે છે. તે મુંબઈ વિસ્તારમાંથી 44 લાંબા અંતરની ટ્રેનોનું સંચાલન કરે છે.
વિવિધ માળખાગત કાર્યો પૂર્ણ થતાં, ઉપનગરીય ટ્રાફિકને મુખ્ય લાઇન ટ્રાફિકથી અલગ કરવામાં આવશે. આનાથી ઉપનગરીય કામગીરી માટે વધારાની ક્ષમતાનો માર્ગ મોકળો થશે. ગોરેગાંવથી બોરીવલી સુધી હાર્બર લાઇનના વિસ્તરણનું કામ પણ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. આ ઉપરાંત, બાંદ્રા-અંધેરી સેક્શન પર પ્લેટફોર્મ લંબાઈને 15 કાર સુધી વધારવાનું પણ આયોજન છે. 176 કરોડ રૂપિયાના ખર્ચે નાયગાંવ-જુઈચંદ્ર ડબલ કોર્ડ લાઇનનું બાંધકામ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે.
આનાથી વસઈ રોડ પર લોકો-રિવર્સલ વિના કોંકણ રેલ્વે સાથે સીધું જોડાણ શક્ય બનશે, જેનાથી નવી ટ્રેન સેવાઓનો માર્ગ મોકળો થશે અને પશ્ચિમ ઉપનગરોથી કોંકણ, ગોવા અને તેનાથી આગળ મુસાફરી સરળ થશે.
છઠ્ઠી લાઇન પ્રોજેક્ટના પ્રથમ તબક્કા હેઠળ, કાંદિવલી-બોરીવલી સ્ટ્રેચ માટે કામ અંતિમ તબક્કામાં છે, જે જાન્યુઆરી 2026 સુધીમાં પૂર્ણ થશે, એમ તેમણે જણાવ્યું હતું. “મુંબઈમાં ક્ષમતામાં વધારો ટર્મિનલ વિસ્તરણ, જાળવણીના વિકાસ અને માળખાગત સુવિધાઓના સ્થિરીકરણ દ્વારા હાથ ધરવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.



