મુંબઈ લોકલ ટ્રેનના મહિલા કોચ પર પથ્થર વાગતા યુવતી ઘવાઈ, સપ્તાહમાં ત્રીજો બનાવ

મુંબઈઃ હાર્બર લાઈનના રે રોડ રેલવે સ્ટેશન ખાતે મહિલા કોચ પર કોઈ અજાણ્યા શખસે પથ્થરમારો કરતા એક યુવતીને ઈજા પહોંચી હોવાનું કિસ્સો જાણવા મળ્યો છે. રે રોડ રેલવે સ્ટેશન નજીક એક અજાણી વ્યક્તિએ લોકલ ટ્રેનના મહિલા કોચ પર પથ્થર માર્યો હતો, જેમાં એક યુવતીને માથામાં ઈજા થઈ હતી. શુક્રવારે રાતના શિવડી અને વડાલા સ્ટેશન નજીક આ બનાવ બન્યો છે. જોકે, એક અઠવાડિયામાં જ હાર્બર લાઇન પર ચાલતી ટ્રેન પર પથ્થરમારાની આ ત્રીજી ઘટના છે. સરકારી રેલવે પોલીસે (GRP) આ ઘટનામાં કોઈ ધરપકડ કરી નથી.
આ ઘટનામાં 28 વર્ષીય શિવાની નામની યુવતીને ઇજા થઇ છે. યુવતી ગાર્ડ કેબિન સાથે જોડાયેલા કોચના ફૂટબોર્ડ પર ઊભી હતી. શુક્રવારે સાંજના 7.10 વાગ્યાની આસપાસ તેને લાગ્યું કે તેને પથ્થર વાગ્યો છે. માથામાં પથ્થર વાગ્યા પછી કોટન ગ્રીન રેલવે સ્ટેશન પર ઉતરી ગઈ હતી, જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી ત્યાર બાદ તેને વધુ તબીબી સહાય માટે KEM હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.
આ પણ વાંચો: વરસાદે મહારાષ્ટ્ર સરકારની ચિંતા વધારીઃ જાણો મુંબઈ લોકલ ટ્રેનની હાલત?
આ માહિતી મળતાં ત્રણ GRP અધિકારીઓ ઘટનાસ્થળે ગયા હતા. GRP દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવ્યા મુજબ એક પ્રવાસીએ જણાવ્યું હતું કે તે લોકલ ટ્રેનના દરવાજા પાસે ઊભી હતી અને જ્યારે ટ્રેન રે રોડ સ્ટેશનથી પસાર થઈ ત્યારે એવું લાગ્યું કે કોઈએ તેના પર પથ્થર ફેંક્યો હતો. સ્ટાફે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું, પરંતુ આસપાસમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ મળી નહોતી.
ત્યાર બાદ નજીકના વિસ્તારના રહેવાસીઓને ભેગા કરવામાં આવ્યા અને પથ્થરમારાના જોખમો વિશે શિક્ષિત કરવામાં આવ્યા. પોલીસે રહેવાસીઓને પૂછપરછ કરી કે શું તેઓ કોઈ ગુનેગારને ઓળખે છે, પરંતુ કોઈ કડી મળી નહોતી.
એક અઠવાડિયામાં બન્યો ત્રીજો બનાવ
ગયા અઠવાડિયાની શરૂઆતમાં 22 સપ્ટેમ્બરના કોટન ગ્રીન અને રે રોડ રેલવે સ્ટેશનની વચ્ચે એક અજાણી વ્યક્તિ દ્વારા પથ્થર ફેંકવામાં આવતા 21 વર્ષીય મહિલા મુસાફરને ચહેરા પર આવી જ ઇજાઓ થઈ હતી. 20 સપ્ટેમ્બરની સાંજે શિવડી સ્ટેશન પર પથ્થરમારાની આવી જ ઘટનામાં અન્ય એક મહિલા મુસાફરને પણ ઈજાઓ થઈ હતી. નોંધનીય છે કે આ દરેક ઘટનામાં પથ્થર મહિલા કોચ પર જ કરવામાં આવ્યો છે, જે મહિલા મુસાફરોની સલામતી માટે ચિંતાનો વિષય છે.