મુંબઈ લોકલની ભીડ ઘટાડવા સરકારનો માસ્ટર પ્લાન, આ પગલું ભરવામાં આવશે

મુંબઈઃ મુંબઈની ‘લાઈફલાઈન’ ગણાતી લોકલ ટ્રેનોમાં ભીડની સમસ્યા દિવસે દિવસે વધી રહી છે. પશ્ચિમ, મધ્ય અને હાર્બર લાઇન પર મુસાફરોની સંખ્યા સતત વધી રહી છે. આ સમસ્યાના ઉકેલ માટે મહારાષ્ટ્ર સરકાર છેલ્લા ઘણા વખતથી સરકારી અને ખાનગી કંપનીઓને શિફ્ટ બદલવાનો વિચાર કરી રહી છે અને આ દિશામાં હવે સરકારે એક મહત્વનું પગલું ભર્યું છે. સરકારે પીક અવર્સ દરમિયાન ભીડ ઘટાડવા માટે ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની રચનાની જાહેરાત કરી છે. આ, ટાસ્ક ફોર્સ ખાનગી કંપનીઓ સાથે વાત કરશે અને તેમને કર્મચારીઓને અલગ અલગ શિફ્ટમાં બોલાવવા માટે સમજાવશે.
ટાસ્ક ફોર્સમાં રેલવે, કોર્પોરેટ ગૃહના પ્રતિનિધિનો સમાવેશ
રાજ્યના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે યોજના વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે ટાસ્ક ફોર્સમાં પરિવહન વિભાગ, ભારતીય રેલવે અને મોટા કોર્પોરેટ ગૃહોના પ્રતિનિધિઓનો સમાવેશ થશે. આ ટાસ્ક ફોર્સ પરંપરાગત નવથી પાંચની શિફ્ટને બદલે સવારે આઠ વાગ્યાથી 4 વાગ્યા સુધી અથવા સવારે દસ વાગ્યાથી 6 વાગ્યા સુધીની શિફ્ટ દાખલ કરવા માટે કંપનીઓ સાથે વાતચીત કરશે.
આ પણ વાંચો: Kurla Station પરની ભીડમાંથી પ્રવાસીઓને મળશે મુક્તિ…
મુંબઈની લોકલ ટ્રેનમાં 80 લાખથી વધુ પ્રવાસી કરે છે મુસાફરી
મુંબઈની લોકલ ટ્રેનોમાં દરરોજ લગભગ 80 લાખ લોકો મુસાફરી કરે છે. મહત્તમ ભીડ સવારે 8 વાગ્યાથી 11 અને સાંજે પાંચ વાગ્યાથી 8 વાગ્યા સુધી જોવા મળે છે. પીક અવર્સ દરમિયાન, પ્લેટફોર્મ અને ટ્રેનોમાં ખૂબ ભીડ થઈ જાય છે,જેને કારણે અકસ્માતોનું જોખમ પણ વધી જાય છે.
આ યોજના અમુક કંપનીઓ અથવા વિસ્તારોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવશે. જો આમાં ધારી સફળતા મળશે, તો તેને સમગ્ર શહેરમાં લાગુ કરવામાં આવી શકે છે.
ઓફિસના સમયમાં ફેરફાર કરવાથી પરિવહનનું દબાણ ઘટશે
અધિકારીઓનું માનવું છે કે ઓફિસના સમયમાં ફેરફાર કરવાથી જાહેર પરિવહન પરનું દબાણ ઘટશે અને પીક અવર્સ દરમિયાન રોડ ટ્રાફિક પણ કંઈક અંશે હળવો થઈ શકે છે. મુંબઈની જાહેર પરિવહન વ્યવસ્થા પરનો ભાર ઘટાડવા અને મુસાફરોને વધુ સારો અનુભવ આપવા માટે આ મહત્વપૂર્ણ પગલું લેવામાં આવી રહ્યું છે.