પુણેમાં પોર્શે કાર અકસ્માત: સગીર આરોપીને છોડી મૂકવાનો મુંબઈ હાઇ કોર્ટનો આદેશ
મુંબઈ: પુણેમાં ગયા મહિને બે નિર્દોષ સોફ્ટવેર એન્જિનિયરનો ભોગ લેનારા પોર્શે કાર અકસ્માતમાં સંડોવાયેલા 17 વર્ષના સગીરને બાળ સુધારગૃહમાંથી છોડી મૂકવાનો મુંબઈ હાઇ કોર્ટે મંગળવારે આદેશ આપ્યો હતો.
પુણે સ્થિત કલ્યાણીનગર જંકશન પર 19 મેના મળસકે સગીરે પોર્શે કાર હંકારીને મોટરસાઇકલને અડફેટમાં લેતાં બે જણનાં મોત થયાં હતાં. સગીર એ સમયે દારૂના નશામાં હોવાનો દાવો પોલીસે કર્યો હતો. સગીરને બાદમાં બાળ સુધારગૃહમાં રાખવામાં આવ્યો હતો.
જસ્ટિસ ભારતી ડાંગરે અને મંજુષા દેશપાંડેની ખંડપીઠે જ્યુવેનાઇલ જસ્ટિસ બોર્ડ (જેબીબી)ના આદેશોને રદ કર્યા હતા.
કોર્ટે જણાવ્યું હતું કે અમે પિટિશનને માન્ય રાખી છે અને સગીરનો છોડવાનો આદેશ આપ્યો છે. સીસીએલ (ચાઇલ્ડ કોન્ફ્લિક્ટ વિથ લૉ) અરજદાર (ફોઇ)ની સંભાળ અને દેખરેખ હેઠળ રહેશે.
આ પણ વાંચો: Porsche car accident: સગીરના પિતાની ગેરકાયદેસર હોટલ પર ચાલ્યું બુલડોઝર
ખંડપીઠે નોંધ્યું હતું કે જેજેબીએ આપેલો કસ્ટડીનો આદેશ અનધિકૃત છે અને ન્યાયસીમા વિના પસાર કરવામાં આવ્યો હતો. જેજેબીનાં લક્ષ્યો અને હેતુ છે અને ગુનાની ગંભીરતા છતાં પુખ્તથી અલિપ્તા કાયદા સાથે સંઘર્ષમાં કોઇ પણ બાળકને ગણવું જોઇએ. સગીર પુનવર્સન હેઠળ છે, જે પ્રાથમિક હેતુ છે. તેને સોઇકોલોજિસ્ટ પાસે સંદર્ભિત કરાયો છે અને સાઇકોલોજિસ્ટ સાથે સત્રો શરૂ થયા છે, એવી નોંધ ખંડપીઠે કરી હતી.
સગીરની ફોઇએ સગીરના છુટકારા માટે કરેલી અરજી પર 21 જૂને ખંડપીઠે સુનાવણી કરી આદેશ અનામત રાખ્યો હતો. અરજદારે સગીરને ગેરકાયદેસર રીતે બાળ સુધારગૃહમાં મોકલી આપ્યો હોવાથી તેના છુટકારા માટે અરજી કરી હતી. 21 જૂને ખંડપીઠે સગીરને આ રીતે બાળ સુધારગૃહમાં રાખવો તે બંધક બનાવી રાખવા જેવું નથી કે એવો પ્રશ્ર્ન કર્યો હતો.