ખેલ થઈ ગયો! મુંબઈ-ગોવા જનશતાબ્દી ટ્રેનમાંથી એક કોચ ‘ગાયબ’, રિઝર્વેશનવાળા પ્રવાસીઓ રઝળી પડ્યાં…

મુંબઈઃ મુંબઈથી કોંકણ તરફ જતા મુસાફરોની પહેલી પસંદ જનશતાબ્દી એક્સપ્રેસ હોય છે. પરંતુ બુધવારે આ ટ્રેનનો એક ડબ્બો જોડવામાં આવ્યો નહોતો, તેથી રિઝર્વેશન કરાવવા છતાં મુસાફરોને હેરાનગતિ ભોગવવી પડી હતી. ડીએલ -1 ડબ્બો ઉપલબ્ધ નહીં હોવાથી પ્રવાસીઓએ બીજા ડબ્બામાં પ્રવાસ કરવો પડ્યો.
આરક્ષિત ડબ્બામાં મુસાફરોને તકલીફ ન પડે તે માટે મધ્ય રેલવેએ ખુદાબક્ષો પર કાર્યવાહી કરવાની ઝુંબેશ હાથ ધરી છે. પરંતુ, આરક્ષિત ટિકિટનો ડબ્બો જ ન હોવાથી પ્રવાસીઓ હેરાન થયા. ટ્રેન નંબર 12051 સીએસએમટી – મડગાંવ એક્સપ્રેસ બુધવારે તેના નિયત સમયે છૂટવાની તૈયારીમાં હતી, પરંતુ પ્લેટફોર્મ પર ઉભેલા પ્રવાસીઓમાં જોરદાર કન્ફ્યુઝન ઊભું થયું હતું. ટ્રેનમાં બિનવાતાનૂકુલિત ડીએલ -1 ડબ્બો જોડવામાં આવ્યો નહોતો અને તેની જગ્યાએ જનરેટરનો ડબ્બો હતો, તેથી પ્રવાસીઓને બીજા ડબ્બામાં પ્રવાસ કરવાની ફરજ પડી.
પ્રવાસીઓએ આ બાબત ટીસીને પુછપરછ કરી પણ તેઓ પણ આ બાબતથી અજાણ હતા. તેમણે પ્રવાસીઓ માટે બીજા ડબ્બામાં બેસવાની વ્યવસ્થા કરી, પરંતુ એકસાથે 35 થી 36 પ્રવાસીઓ માટે જગ્યા ઉપલબ્ધ ન હોવાથી પ્રવાસીઓ ગુસ્સે થયા હતા.
આ પણ વાંચો: જનશતાબ્દી એક્સપ્રેસ મોટી દુર્ઘટનામાંથી બચી: બેદરકારી બદલ સ્ટેશન માસ્ટર અને ટ્રાફિક કંટ્રોલર સસ્પેન્ડ…
પ્રવાસીઓએ આ બાબતે રેલવે પ્રશાશનને ફરિયાદ કરી. રેલવે તરફથી તાંત્રિક ખામીનું કારણ આપવામાં આવ્યું. આ ટ્રેનમાં એક એસએલઆર ડબ્બો અને જનરેટર ડબ્બો હોય છે. પરંતુ 8 ઓક્ટોમ્બરના રોજ ડીએલ -1 ને બદલે વધુ જનરેટર ડબ્બો જોડવામાં આવ્યો હતો. તેથી આ ગાડીમાં બે જનરેટર ડબ્બા હતા.
આ ટ્રેનનું સંચાલન કરવાની જવાબદારી મધ્ય રેલવેની છે. ટ્રેનમાં ડીએલ -1 ડબ્બામાં તાંત્રિક ખામી સર્જાતા તે દૂર કરવામાં આવ્યો. પરંતુ તેની જગ્યાએ બીજો ડબ્બો જોડવાને બદલે જનરેટર ડબ્બો જોડવામાં આવ્યો. મધ્ય રેલવે દ્વારા વિશેષ ટ્રેનો દોડાવવામાં આવતી હોવાથી વધારાનો ડબ્બો ઉપલબ્ધ નહોતો. પરિણામે જનશતાબ્દી ટ્રેનના મુસાફરોના હાલ થયા. મધ્ય રેલવેની આ બેદરકારી માટે લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો.
કોંકણ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુનીલ નારકરે સ્પષ્ટતા કરતા કહ્યું કે સીએસએમટી-મડગાંવ ટ્રેનનું સંચાલન મધ્ય રેલવે દ્વારા કરવામાં આવે છે તેમ જ ડબ્બાની સંરચના પણ મધ્ય રેલવે દ્વારા નક્કી કરવામાં આવે છે.