
મુંબઈઃ કોંકણ પટ્ટામાં સૌથી મોટા ગણપતિ ઉત્સવ દરમિયાન, લાખો લોકો મુંબઈ અને રાજ્યના અન્ય ભાગોથી કાર સહિત પરિવહનના વિવિધ માધ્યમોનો ઉપયોગ કરીને મુસાફરી કરે છે. જોકે રાષ્ટ્રીય ધોરીમાર્ગની ખરાબ સ્થિતિને કારણે ઘણા લોકો મુશ્કેલીમાં મુકાય છે. કોંકણ રેલવે (કેઆર)એ આનો ઉકેલ શોધી કાઢ્યો છે. જો પૂરતી માંગ હશે તો આગામી ગણપતિ ઉત્સવ દરમિયાન ખાનગી કાર માટે રો-રો સેવા શરૂ થવાની શક્યતા છે. કોંકણ રેલવેએ મહારાષ્ટ્રમાં મુંબઈથી કાર લઈને ટ્રેન (રોરો)માં બેસો અને છેક ગોવા સુધી સફર કરવાની યોજના ઘડી કાઢી છે.
આગામી ગણપતિ ઉત્સવ દરમિયાન મહારાષ્ટ્રના કોલાડ અને ગોવાના વેર્ણા વચ્ચે ખાનગી કાર માટે ૨૩ ઓગસ્ટથી ૧૧ સપ્ટેમ્બર સુધી ખાસ રોલ ઓન-રોલ ઓફ (રો-રો) ટ્રેન સેવા ચલાવશે. ૨૩ ઓગસ્ટે કોલાડથી અને ૨૪ ઓગસ્ટે વેર્ણાથી શરૂ થનારી રો-રો કાર સેવા માટે ખાસ ડિઝાઇન કરવામાં આવેલ ૨૦ રેકનો ઉપયોગ થશે, દરેક ટ્રિપમાં ૪૦ કારનો સમાવેશ થશે, એમ કોંકણ રેલવેએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: ટ્રેનની મુસાફરીમાં ફરિયાદ કરવાનું બનશે આસાન: રેલવે લાવશે AI WhatsApp ચેટબોટ, મળશે રિયલ-ટાઈમ મદદ
માલિકોએ રો-રોનો ઉપયોગ કરીને તેમની કારના પરિવહન માટે જીએસટી સહિત 7.875 રૂપિયા ચૂકવવા પડશે. બુકિંગના સમયે શરૂઆતમાં ૪૦૦૦ રૂપિયા અને મુસાફરીના દિવસે બાકીની રકમ ચૂકવવી પડશે. પ્રતિ કાર, વધુમાં વધુ ત્રણ વ્યક્તિને એસી અથવા બીજા સીટિંગ કોચમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે.
આ માટે, દરેક વ્યક્તિએ નિર્ધારિત ભાડું ચૂકવવું પડશે. અપૂરતી બુકિંગ (૧૬થી ઓછી કાર) હશે તો ટ્રિપ રદ કરવામાં આવશે અને નોંધણી ફી સંપૂર્ણપણે પરત કરવામાં આવશે. સેવા માટે બુકિંગ ૨૧ જુલાઈથી ૧૩ ઓગસ્ટ દરમિયાન ખૂલશે, જે લોકો સેવાનો લાભ લેવા માંગે છે તેઓ યુપીઆઈ અને રોકડ ચૂકવણીના વિકલ્પો દ્વારા કેઆરની બેલાપુર અથવા વેર્ણા સ્થિત ઓફિસોમાં રિઝર્વેશન કરાવી શકે છે,” એમ જણાવ્યું હતું.
આ પણ વાંચો: મુંબઈની એસી લોકલમાં ‘લીકેજ’, વાયરલ વીડિયોનો રેલવેએ જવાબ આપ્યો
આ સેવા કોલાડ અને વેર્ણા વચ્ચે એન્ડ-ટુ-એન્ડ ચલાવાશે, જ્યારે સાંજના પાંચ વાગ્યે નીકળી અને બીજા દિવસે સવારે પાંચ વાગ્યે પહોંચશે. કાર માલિકોએ પ્રસ્થાન સમયના લગભગ ત્રણ કલાક પહેલા બપોરે બે વાગ્યે પ્રારંભિક સ્ટેશન પર પહોંચવું પડશે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે કોંકણ રેલવેએ ૧૯૯૯માં ટ્રક માટે ભારતમાં રો-રો સેવાના ખ્યાલનો પાયો નાખ્યો હતો, અને ઉમેર્યું હતું કે આ પહેલી વાર છે જ્યારે તે ખાનગી કાર માટે ચલાવવામાં આવી રહી છે.