બાન્દ્રા અને જોગેશ્વરીમાં 4.32 કરોડનું ડ્રગ્સ જપ્ત: નાઈજીરિયન સહિત ચારની ધરપકડ

મુંબઈ: બાન્દ્રાની ક્લબ બહાર અને જોગેશ્વરી બસ ડેપો નજીકથી પોલીસે અંદાજે 4.32 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરી નાઈજીરિયન સહિત ચારની ધરપકડ કરી હતી.
ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ અબ્દુલ કરીમ નઝીર શેખ (44), યાસીન અલી શેખ (29), ઝુનેદ નદીમ ખાન (26) અને નાઈજીરિયન નાગરિક ઓલાનરેવાજુ જોવિટા ઈમુઓબુ (49) તરીકે થઈ હતી.
આપણ વાંચો: તુળજાપુર ડ્રગ્સ જપ્તીનો કેસ: 14 જણની ધરપકડ, 35નાં નામ આરોપી તરીકે…
અધિકારીના જણાવ્યા મુજબ ક્રાઈમ બ્રાન્ચના કુર્લા યુનિટના અધિકારીઓએ જોગેશ્વરી બસ ડેપો નજીક ગુરુવારે છટકું ગોઠવી અબ્દુલ અને કરીમને તાબામાં લીધા હતા.
આરોપીઓ પાસેથી બે કિલો મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યું હતું, જેની કિંમત અંદાજે ચાર કરોડ રૂપિયા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. આરોપી મેફેડ્રોન વેચવાને ઇરાદે આવ્યા હતા. તેમની વિરુદ્ધ એનડીપીએસ ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
દરમિયાન ખેરવાડી પોલીસે પણ ગુરુવારે બાન્દ્રા પૂર્વમાં આવેલી એક ક્લબ નજીક છટકું ગોઠવી ઝુનેદ અને નાઈજીરિયનને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી અંદાજે 32 લાખ રૂપિયાનું કોકેન જપ્ત કરવામાં આવ્યું હતું. કોકેનની ડિલીવરી કરવા બન્ને બાન્દ્રા આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું. ખેરવાડી પોલીસે તેમની વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)