પ્રેમમાં નિષ્ફળ બે યુવકે જીવન ટૂંકાવ્યાં

પ્રેમમાં નિષ્ફળ બે યુવકે જીવન ટૂંકાવ્યાંડોમ્બિવલીમાં ચાર કલાક સુધી બધાના જીવ અધ્ધર કર્યા પછી યુવકે 11મા માળેથી ઝંપલાવ્યું, જ્યારે પવઈમાં યુવકે ગળાફાંસો ખાધો
મુંબઈ: પ્રેમમાં નિરાશાને પગલે બે યુવકે જીવન ટૂંકાવ્યાં હોવાની ઘટના ડોમ્બિવલી અને પવઈમાં બની હતી. ડોમ્બિવલીની નાટ્યાત્મક ઘટનામાં ચાર કલાક સુધી લોકોના જીવ અધ્ધર કરી દીધા બાદ આખરે યુવકે બિલ્ડિંગના 11મા માળેથી ઝંપલાવ્યું હતું, જ્યારે પવઈના યુવકે ગળાફાંસો ખાધો હતો. પવઈમાં તો યુવકના આપઘાત પછી પડોશમાં રહેતી યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ સમયસર પહોંચેલી પોલીસે તેનો જીવ બચાવી લીધો હતો.
પોલીસના જણાવ્યા મુજબ ડોમ્બિવલી પશ્ર્ચિમમાં આવેલી સુદામા બિલ્ડિંગના 11મા માળેથી કૂદનારા યુવકની ઓળખ હૃષીકેશ પરબ તરીકે થઈ હતી. યુવકની ઈમારત પરથી કૂદવાની ઘટના એક રહેવાસીએ મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી લીધી હતી, જેનો વીડિયો બાદમાં વાયરલ થયો હતો.
કહેવાય છે કે પ્રેમપ્રકરણમાં હતાશાને પગલે પરબે અંતિમ પગલું ભર્યું હતું. સવારે આઠ વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી આત્મહત્યાના પ્રયાસનું નાટક ચાલ્યું હતું. પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો પણ આવી પહોંચ્યા હતા. યુવકને સમજાવી તેને બચાવી લેવાના પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોના પ્રયાસ નિષ્ફળ ગયા હતા. આખરે યુવકે ઈમારત પરથી પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હતું.
બીજી ઘટના પાર્કસાઈટ પોલીસની હદમાં પવઈના મહાત્મા ફુલે નગર નજીક આઈઆઈટી માર્કેટ ખાતે બની હતી. મૃતકની ઓળખ શ્રવણ શિંદે (19) તરીકે થઈ હતી. શિંદેએ તેના નિવાસસ્થાને લોખંડના એન્ગલ સાથે સાડી બાંધી ગળાફાંસો ખાધો હતો. પરિવારજનોને ઘટનાની જાણ થતાં તેને તાત્કાલિક રાજાવાડી હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેને મૃત જાહેર કરાયો હતો.
શિંદેની આત્મહત્યા પાછળ પણ પ્રેમભંગ જવાબદાર હોવાનું કહેવાય છે. શિંદેના પરિવારજનોએ પડોશમાં રહેતી યુવતી પર આરોપ કર્યા હતા. ડરના માર્યા યુવતીએ પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
કહેવાય છે કે શંકા જતાં બીટ માર્શલે યુવતીનો તેના ઘર સુધી પીછો કર્યો હતો. યુવતીએ ઘરનો દરવાજો અંદરથી બંધ કરી અંતિમ પગલું ભરવાની તૈયારી કરી હતી. સમયસર પોલીસે દરવાજો તોડી યુવતીને બચાવી લીધી હતી. સારવાર માટે તેને રાજાવાડી હૉસ્પિટલમાં દાખલ કરાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.