બિલ્ડરની બે કરોડની રોકડ લૂંટનારો; ક્રાઈમ બ્રાન્ચનો નકલી અધિકારી પકડાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈમાં બિલ્ડરના કર્મચારીને રસ્તામાં આંતરીને બે કરોડ રૂપિયા લૂંટનારા ક્રાઈમ બ્રાન્ચના નકલી અધિકારીને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ બે દિવસમાં જ પકડી પાડ્યો હતો. આરોપી પાસેથી 45 લાખની રોકડ હસ્તગત કરવામાં આવી હોઈ તેના સાથીની પોલીસ શોધ ચલાવી રહી છે.
ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-2ના અધિકારીઓએ રવિવારે ધરપકડ કરેલા આરોપીની ઓળખ ગૌરવ વિજય મસુરકર (44) તરીકે થઈ હતી. પરેલના કાળેવાડી પરિસરમાં રહેતા ગૌરવને કાલાચોકી વિસ્તારમાંથી તાબામાં લેવાયો હતો.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના શુક્રવારની સાંજે ચોથી ખેતવાડીના કૉર્નર પર લહરી બિલ્ડિંગ સામે બની હતી. સિનિયર સિટીઝન ફરિયાદી નરીમાન પૉઈન્ટ ખાતે આવેલી બિલ્ડરની ઑફિસમાં કામ કરે છે. ઑફિસના કામકાજ અને હિસાબકિતાબ પર નજર રાખવાની જવાબદારી ફરિયાદીને સોંપાઈ હતી.
ફરિયાદ અનુસાર બિલ્ડરે ઑપેરા હાઉસમાં પંચરત્ન બિલ્ડિંગ ખાતેની કુરિયરની ઑફિસમાંથી બે કરોડ રૂપિયા લઈને ગિરગામમાં પાંજરાપોળ સ્થિત એક વેપારીને પહોંચતા કરવાનું ફરિયાદીને કહ્યું હતું. નક્કી થયા મુજબ ફરિયાદી સહકર્મચારી સાથે બાઈક પર કુરિયરની ઑફિસે ગયો હતો. બે કરોડ રૂપિયા બૅગમાં ભરીને બન્ને પાંજરાપોળ જવા નીકળ્યા હતા.
ખેતવાડી નજીક પહોંચ્યા ત્યારે બુલેટ બાઈક પર આવેલા બે આરોપીએ ફરિયાદીની બાઈકને આંતરી હતી. પોતાની ઓળખ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકે આપી હતી. તપાસને બહાને બૅગ હાથમાં લઈને રોકડ અંગે પૂછપરછ કરી હતી. બાદમાં વરિષ્ઠ અધિકારીને કૉલ કર્યાનો ડોળ એક આરોપીએ કર્યો હતો. પોલીસ વૅન મોકલાવી બન્નેને ક્રાઈમ બ્રાન્ચની ઑફિસે લઈ જવાનું કહી આરોપીએ ફરિયાદીને ધમકાવ્યો હતો. બે કરોડની રોકડ અને ત્રણ મોબાઈલ લૂંટી બન્ને આરોપી ફરાર થઈ ગયા હતા.
આ પ્રકરણે વી. પી. રોડ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખસો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો, જેની સમાંતર તપાસ ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજને આધારે પોલીસે આરોપીને ઓળખી કાઢ્યો હતો. આરોપી ગૌરવ કાલાચોકી પરિસરમાં આવવાનો હોવાની માહિતી મળતાં પોલીસની ટીમે શનિવારની રાતે છટકું ગોઠવી તેને પકડી પાડ્યો હતો. ગૌરવના પરેલના ઘરમાં સર્ચ કરી 45 લાખની રોકડ જપ્ત કરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.



