મુંબઈમાં 17 બાળકોને ઓડિશનના બહાને બોલાવી બાનમાં લેનારા રોહિત આર્યે ભૂખ હડતાળ પણ કરેલી

મુંબઈ: ગઈ કાલે ગુરુવારે મુંબઈના પવઈમાં આવેલા આવેલા RA સ્ટુડિયોમાં હાઈ વોલ્ટેજ ડ્રામા રચાયો હતો. રોહિત આર્ય નામના શખ્સે ઓડિશન માટે બોલાવીને 17 બાળકોને સ્ટુડિયોમાં બંધક બનાવ્યા હતાં, ત્યાર બાદ મુંબઈ પોલીસના ગોળીબારમાં તેનું મોત થયું હતું. કથિત રીતે સરકાર પાસેથી બાકી લેણાં માટે તેણે આ કાવતરું ઘડ્યું હતું, એવામાં જાણકારી મળી છે રોહિત આર્યએ અગાઉ બે વાર ભૂખ હડતાળ પણ કરી હતી.
મુંબઈ પોલીસના જણાવ્યા મુજબ, ઓપરેશન દરમિયાન રોહિતે પોલીસ કર્મીઓ પર એર ગનથી ફાયરીંગ કર્યું હતું, જેના જવાબમાં પોલીસે વળતો ગોળીબાર કર્યો હતો. રોહિતને છાતીમાં જમણી બાજુ ગોળી વાગી હતી અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.
રોહિતે પવઈમાં એક રેસિડેન્શિયલ બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા આરએ સ્ટુડિયોમાં બાળકોને વેબ સિરીઝના ઓડિશન માટે બોલાવ્યા હતાં, ત્યાર બાદ તેમને બંધક બનાવવામાં આવ્યા હતાં. પોલીસના જણાવ્યા મુજબ બાળકો 8 થી 14 વર્ષની વય હતાં, બે કલાક સુધી બંધક રહ્યા બાદ તમામને સલામત રીતે મુક્ત કરવામાં આવ્યા હતાં.
કેમ ઘડ્યું કાવતરું?
અહેવાલ મુજબ રોહિતે અગાઉ આરોપ લગાવ્યો હતો કે રાજ્ય સરકારની “મારી શાળા, સુંદર શાળા” અભિયાન હેઠળના PLC સેનિટેશન મોનિટર પ્રોજેક્ટ હેઠળ તેણે હાથ ધરેલા સ્વચ્છતા અભિયાન માટે રાજ્યના શિક્ષણ વિભાગે તેને નાણા ચુકવવાના બાકી છે. રોહિતે દાવો કર્યો હતો કે શાળાના બાળકોને સ્વચ્છતા અભિયાનમાં જોડવા માટે તેણે લેટ્સ ચેન્જ અભિયાન ચલાવ્યું હતું.
બે વાર ભૂખ હડતાળ કરી હતી:
રોહિતે આરોપ લગાવ્યો કે મહારાષ્ટ્ર શિક્ષણ વિભાગે તેને કરેલા કામ માટે 2 કરોડ રૂપિયા ફાળવ્યા હતાં, પરંતુ જાન્યુઆરી 2024 થી તેને નાણા ચુકવવામાં આવ્યા નથી. અહેવાલ મુજબ આર્યએ એ વર્ષે બે વાર ભૂખ હડતાળ કરી કરીને સરકાર સમક્ષ પોતાની માંગ મૂકી હતી. તેણે એવો પણ દાવો કર્યો હતો કે તત્કાલીન શિક્ષણ પ્રધાન દીપક કેસરકરે તેને આશ્વાસન આપ્યું હતું, છતાં અધિકારીઓ તરફથી તેણે નાણા ચુકવવામાં આવ્યા ન હતાં.
રહિત દાવો કર્યો કે દીપક કેસરકરે વ્યક્તિગત રીતે રૂ. 7 લાખ અને રૂ. 8 લાખના બે ચેક આપ્યા હતા, અને વધુ રકમ પછી આપવાનું જણાવ્યું હતું, રોહિતે દાવો કર્યો કે બાકીની રકમ આપવામાં આવી ન હતી.
સરકારે આરોપોનું ખંડન કર્યું:
મહારાષ્ટ્ર શાળા શિક્ષણ વિભાગે રોહિતે કરેલા દાવા નકારી કાઢ્યા છે. રાજ્યાના શિક્ષણ સચિવ રણજીત સિંહ દેઓલે સ્પષ્ટ કર્યું છે કે આ પ્રોજેક્ટ હેઠળ રોહિત આર્યને 2 કરોડ રૂપિયા ચૂકવવાનો કોઈ કરાર થયો જ નથી.
 
 
 
 


