આમચી મુંબઈ

બ્લૅકમેઈલિંગને કારણે ત્રણ કરોડ રૂપિયા ગુમાવ્યા પછી સીએનો આપઘાત: બે વિરુદ્ધ ગુનો

બન્ને આરોપીએ ગૅ સંબંધના વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી

મુંબઈ: સાંતાક્રુઝમાં બ્લૅકમેઈલિંગને કારણે ત્રણ કરોડ રૂપિયા ગુમાવ્યા બાદ સતત તાણમાં રહેતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે કથિત આત્મહત્યા કરતાં પોલીસે બે જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. ગૅ સંબંધના વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી બન્ને જણ સીએ પાસેથી નાણાં પડાવતા હતા.

વાકોલા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે સાંતાક્રુઝ પૂર્વના યશવંત નગરમાં રહેતા સીએ રાજ લીલા મોરે (32)એ શનિવારની રાતે ઘરમાં જ ઝેર ઘોળ્યું હતું. તેના ઘરમાંથી ત્રણ પાનાંની સુસાઈડ નોટ મળી હતી, જેમાં તેને બ્લૅકમેઈલ કરવા સંબંધી માહિતી વિગતવાર નોંધવામાં આવી હતી.

સુસાઈડ નોટ અનુસાર રાહુલ પરવાની અને સબા કુરેશીએ છેલ્લા 18 મહિનામાં મોરે પાસેથી ત્રણ કરોડ રૂપિયા પડાવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું હતું કે મોરે અને પરવાની એક સોશ્યલ મીડિયા સાઈટ પર મળ્યા હતા. બાદમાં બન્ને વચ્ચે અનેક વાર ગૅ સંબંધ બંધાયા હતા, જેના વીડિયો પરવાનીએ બનાવ્યા હતા. પછી પરવાનીએ કુરેશી સાથે મળીને મોરેને બ્લૅકમેઈલ કરવાનું શરૂ કર્યું હતું. વીડિયો ક્લિપ્સ સોશ્યલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી મોરેને આપવામાં આવતી હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: સેક્સ્ટોર્શનમાં ફસાયેલા શિક્ષકે બદનામીના ડરથી અટલ સેતુ પરથી દરિયામાં ઝંપલાવ્યું

આરોપીઓ જાણતા હતા કે મોરે પ્રતિષ્ઠિત કંપનીમાં કામ કરતો હતો અને કરોડો રૂપિયા શૅરબજારમાં રોક્યા હતા. આરોપીઓ મોરેની કાર લઈ ગયા હતા અને નાણાં ટ્રાન્સફર કરવાની ફરજ પાડી હતી. આ રકમ તેણે કંપનીના ખાતામાંથી ટ્રાન્સફર કરી હતી, એવું તપાસમાં જણાયું હતું.

દરમિયાન પરવાની અને કુરેશી મોરેના ઘરે ગયા હતા અને તેની માતા સાથે મારપીટ પણ કરી હતી. આ ઘટના બાદ તે હતાશ થઈ ગયો હતો. માનસિક તાણમાં તેણે આપઘાત કર્યો હોવાનું પોલીસનું કહેવું છે. પરિવારજનોનાં નિવેદન અને સુસાઈડ નોટને આધારે પોલીસે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »
Back to top button