રોકાણકારો સાથે 2.39 કરોડની છેતરપિંડી: આરોપીની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કંપની મારફત શૅરબજારમાં રોકેલાં નાણાં પર આકર્ષક વળતર મળવાની લાલચે રોકાણકારો સાથે 2.39 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી કરવા બદલ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
બોઈસર પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ રોશન ચંદનલાલ જૈન (36) તરીકે થઈ હતી. કોર્ટે ત્રણ દિવસની પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી પોલીસ જૈનની વધુ પૂછપરછ કરી રહી છે.
પોલીસના જણાવ્યા મુજબ વિરાર પૂર્વના નારંગી રોડ ખાતે રહેતા અને તારાપુર એમઆઈડીસી ખાતે કામ કરતા દીપક બાબુ વરકની (42)ની ફરિયાદને આધારે બોઈસર પોલીસે આ મામલે સોમવારે ગુનો નોંધ્યો હતો. કંપનીના માધ્યમથી આરોપીઓએ અનેક લોકો પાસેથી નાણાં પડાવ્યાં હોવાનું કહેવાય છે.
આરોપીની કંપની મારફત શૅરબજારમાં નાણાં રોકવા રોકાણકારોને લલચાવાયા હતા. રોકાણ કરેલી રકમ પર આકર્ષક વળતરની ખાતરી આરોપીએ આપી હતી. જોકે બાદમાં રોકાણકારોને કોઈ વળતર ચૂકવવામાં આવ્યું નહોતું અને તેમની મૂળ રકમ પણ પાછી અપાઈ નહોતી. રોકાણકારો દ્વારા વારંવાર સંપર્ક સાધવામાં આવતાં તેમને ઉડાઉ જવાબ આપવામાં આવ્યા હતા. બાદમાં આરોપીનો સંપર્ક ન થતાં રોકાણકારોએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.
એક અધિકારીના જણાવ્યા મુજબ ફરિયાદી અને અન્ય 13 રોકાણકારોએ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટની ઑફિસમાં લેખિત ફરિયાદ કરી હતી. 2022થી બોઈસરની કંપનીએ રોકાણકારો પાસેથી નાણાં લઈને કથિત છેતરપિંડી કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.
આ પ્રકરણે પોલીસે ગુનો નોંધી પ્રાથમિક તપાસ બાદ કંપની સાથે સંકળાયેલા જૈનની ધરપકડ કરી હતી. બોઈસરમાં રહેતા જૈનના અન્ય સાથીઓ અંગે પોલીસ તપાસ કરી રહી છે.



