મુંબઈમાં મેયર ભાજપનો, પણ મહાપાલિકાની તિજોરીની ચાવી કોની પાસે? રમત હજુ બાકી

મુંબઈ: મુંબઈ મહાપાલિકામાં મેયરની ચૂંટણી માટે શનિવારે મહાયુતી દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા પછી આ ચૂંટણી બિનહરીફ હોવાનું સ્પષ્ટ થઈ ગયું છે. હવે મહાપાલિકામાં સ્થાયી, શિક્ષણ અને સુધાર સમિતિના અધ્યક્ષપદની ચૂંટણી થવાની છે.
મહાયુતી સહિત મિત્રપક્ષોના મળીને નગરસેવકોની સંખ્યા વધુ હોવાથી તેમનો જ અધ્યક્ષ આ સમિતિ પર હશે, એ સ્પષ્ટ છે, પણ આ સમિતિઓની ચાવી કોની પાસે જશે, એના પર બધાનું ધ્યાન કેન્દ્રિત થયું છે. વળી, યુબીટી, કૉંગ્રેસ, મનસે અને એમઆઈએમના ભાગે પણ સ્ટેન્ડિંગ કમિટીમાં સભ્યપદ હોવાથી ભારે રસાકસી જોવા મળશે.
આપણ વાચો: મુંબઈ મહાપાલિકા ચૂંટણી: કૉંગ્રેસે 87 ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી, વંચિત બહુજન આઘાડી સાથે ગઠબંધન
મુંબઈ મહાપાલિકાની મહત્ત્વની કમિટીઓનું અધ્યક્ષપદ ભાજપ, શિંદેસેના કે એનસીપી પાસે જાય છે તે તરફ બધાની નજર છે. સ્થાયી અને શિક્ષણ સમિતિના અધ્યક્ષપદ માટે 20 ફેબ્રુઆરીએ ચૂંટણી થવાની છે. ત્યાર બાદ સુધાર સમિતિના અધ્યક્ષપદની ચૂંટણી થશે. આ તારીખો પર નવા વરાયેલા મેયર મતું મારશે.
મહાનગરપાલિકાઓમાં સ્ટેડિંગ કમિટીના અધ્યક્ષનું પદ આર્થિક દૃષ્ટિએ અત્યંત મહત્ત્વનું માનવામાં આવે છે. દેશની સૌથી શ્રીમંત એવી મુંબઈ મહાપાલિકા જેવી સંસ્થામાં આર્થિક સત્તા સીધી સ્ટેડિંગ કમિટી પાસે હોય છે.
આ કમિટીમાં 26 સભ્ય હોય છે, જેમાં સત્તાધારી પાસે નગરસેવકોનું સંખ્યાબળ 14થી 15 હોવું જરૂરી છે. આ કમિટીમાં અત્યારે ભાજપના ભાગે 10 સદસ્ય તો શિંદેસેના પાસે માત્ર ત્રણ સભ્યપદ આવે છે. તેથી સંખ્યાબળ વધારવા માટે ભાજપની સાથે શિંદેસેનાના પણ પ્રયત્નો ચાલી રહ્યા છે.
આપણ વાચો: મુંબઈ મહાપાલિકા ચૂંટણી: પહેલા દિવસે 4,165 ઉમેદવારીપત્રનું વિતરણ થયું
શિવસેનાને બન્ને એનસીપીએ પોતાનું સમર્થન હોવાનું દર્શાવ્યું હોવાથી સહયોગી જૂથ બનાવવાની હિલચાલ ચાલી રહી છે. શિંદેસેના બન્ને એનસીપીની મદદથી પોતાનું સંખ્યાબળ ચાર કરીને ભાજપને સમર્થન આપશે.
સામે પક્ષે યુબીટીને ભાગે આઠ સભ્યપદ હશે. બાકીનાં સભ્યપદ કૉંગ્રેસ, મનસે અને એમઆઈએમના ભાગે આવશે. આ બધા મળીને પણ સભ્યપદનો આંકડો 13 સુધી પહોંચી શકે એમ છે. એટલે મુંબઈ મહાપાલિકામાં હજુ ઘણી રમત રમાય એવી શક્યતાઓ ઊભી થઈ છે.
વાર્ષિક બજેટ, ખરચાને મંજૂરી, વિકાસકામો માટે ભંડોળની વહેંચણી, કોન્ટ્રાક્ટ અને પ્રોજેક્ટ સંબંધી નિર્ણયો લેવાનો અધિકાર સ્થાયી સમિતિ પાસે છે. તેથી મહાપાલિકાની તિજોરીની ચાવી સ્થાયી સમિતિ પાસે હોવાનું કહી શકાય. હવે આ ચાવી કોની પાસે જાય છે તે જોવું રહ્યું.
સુધાર સમિતિ શહેરના રસ્તા, વિકાસકામો અને નાગરી સુધારા સંબંધી બાબતો પર નિર્ણય લેવાની મુખ્ય સમિતિ છે. આ સમિતિનો અધ્યક્ષે ભાજપનો હશે કે શિંદેસેનાનો એ તે અંગે ચર્ચા જામી છે. એ જ રીતે ઈમ્પ્રૂવમેન્ટ કમિટી પર પણ ભાજપ અને શિંદેસેનાનું જ વર્ચસ હશે.



