મુંબઈ મહાપાલિકા ચૂંટણી: પહેલા દિવસે 4,165 ઉમેદવારીપત્રનું વિતરણ થયું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીનું બ્યૂગલ વાગ્યા પછી રાજકીય પક્ષોના ધમપછાડા શરૂ થઈ ગયા છે. મુંબઈ મહાપાલિકામાં પોતાની સત્તા કાયમ રાખવા અવિભાજિત શિવસેના પ્રયત્ન કરશે તો શિવસેનાથી છેડો ફાડનારી ભાજપ પોતાનું વર્ચસ જમાવવા જોર લગાવશે. એટલે જ તો ચૂંટણીના ઉમેદવારીપત્રના વિતરણના પહેલા દિવસે જ 23 ચૂંટણી અધિકારી કચેરીમાંથી 4,165 ઉમેદવારીપત્ર વિતરીત થયા હતા. જોકે પહેલા દિવસે એકેય ઉમેદવારીપત્ર ભરવામાં આવ્યું નથી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
મહાપાલિકાનો ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યા પછી ચૂંટણીનું નોટિફિકેશન 15 ડિસેમ્બર, 2025ના રોજ જાહેર થયું હતું. તે અનુસાર મહાપાલિકાની 2026ની ચૂંટણી માટે મંગળવારથી ઉમેદવારીપત્રોનું વિતરણ શરૂ કરાયું હતું અને પહેલા દિવસે 4,165 ફૉર્મ આપવામાં આવ્યાં હતાં.
મહાપાલિકાની ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને નિયમાનુસાર પાર પડે તે માટે મહાપાલિકા ક્ષેત્રમાં 23 ચૂંટણી અધિકારી કચેરી શરૂ કરવામાં આવી છે. આ કચેરીમાં 23થી 29 ડિસેમ્બર સુધી કામકાજના સમયે અને 30 ડિસેમ્બરે સાંજે ચાર વાગ્યા સુધી ઉમેદવારોને ફૉર્મ ઉપલબ્ધ થશે. ગુરુવાર, 25 ડિસેમ્બર અને રવિવાર, 28 ડિસેમ્બરે ઉમેદવારીપત્રો નહીં મળે, એવું અધિકારીએ જણાવ્યું હતું.
અધિકારી અનુસાર 23થી 30 ડિસેમ્બર દરમિયાન સવારે 11થી સાંજે પાંચ વાગ્યા દરમિયાન ઉમેદવારીપત્રો સ્વીકારવામાં આવશે. ગુરુવાર અને રવિવારે ઉમેદવારીપત્રો સ્વીકારવામાં નહીં આવે. ચૂંટણી પ્રક્રિયા માટે દરેક ચૂંટણી કચેરીમાં જરૂરી સરકારી યંત્રણા, કર્મચારી તેમ જ ટેક્નિકલ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
થાણે મહાપાલિકામાં 1,069 ઉમેદવારીપત્રનું વિતરણ
શિવસેનાનાં બે જૂથ થઈ ગયા હોવાથી આગામી થાણે મહાનગરપાલિકાની ચૂંટણી ઘણી રસાકસી ભરી રહેવાની સંભાવના છે. ચૂંટણી માટે પહેલા જ દિવસે નવ વૉર્ડમાં 1,069 ઉમેદવારીપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મહાપાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે માજીવડા માનપાડાના વૉર્ડ નંબર 1, 2, 3 અને 8 માટે 157 ફોર્મનું વિતરણ કરાયું હતું, જ્યારે વર્તકનગરના વૉર્ડ 4, 5, 7 માટે 103 ઉમેદવારીપત્ર વિતરીત કરાયા હતા.
લોકમાન્ય નગર સાવરકર વૉર્ડ હેઠળના 6, 13, 14, 15 વૉર્ડ માટે 177, વાગળે એસ્ટેટ હેઠળના વૉર્ડ નંબર 16, 17 અને 18 માટે 102 ઉમેદવારીપત્રનું વિતરણ કરાયું હતું. એ જ રીતે નૌપાડા કોપરીના 19, 20, 21, 22 વૉર્ડ માટે 113 અને ઉથળસરના વૉર્ડ 10, 11, 12 માટે 101 ઉમેદવારીપત્ર વિતરીત થયા હતા.
કલવા વૉર્ડ હેઠળના 9, 23, 24, 25 વૉર્ડ માટે 121 અને મુંબ્રાના 26, 31 વૉર્ડ માટે 35, જ્યારે 30, 32 વૉર્ડ માટે 36 ઉમેદવારીપત્રનું વિતરણ કરાયું હતું. દીવા વૉર્ડના 27, 28 વૉર્ડ માટે 78 તો 29, 33 વૉર્ડ માટે 46 ફૉર્મ વિતરીત કરાયા હોવાની માહિતી ચૂંટણી અધિકારીએ આપી હતી.



