આમચી મુંબઈ

મુંબઈ BMC ચૂંટણી: દાદર વોર્ડ 192માં રાજકીય ખેંચાખેંચી, મનસેમાં ભંગાણ

મુંબઈઃ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે હાલમાં તમામ પક્ષો જોરશોરથી તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે મુંબઈના દાદરમાં વોર્ડ નંબર 192માં રાજકીય ભૂકંપ આવ્યો છે. મનસે અને ઠાકરે જૂથ વચ્ચેના જોડાણ બાદ ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા આ બેઠક મનસે (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)ને આપવામાં આવી છે.

મનસે પ્રમુખ રાજ ઠાકરેએ આ બેઠક માટે આ વોર્ડમાંથી તેમના વિશ્વાસુ શિલેદાર યશવંત કિલ્લેદારને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. આનાથી મહાયુતિ અને મહાવિકાસ આઘાડી (એમવીએ) બંને જૂથોમાં ભારે અસંતોષ વ્યાપેલો છે. રસપ્રદ વાત એ છે કે, વોર્ડ 192 એક જ બેઠક માટે ચાર મજબૂત દાવેદારો મેદાનમાં હોવાથી, આ વોર્ડ હવે મુંબઈનો સૌથી હાઈ-વોલ્ટેજ મતવિસ્તાર બનવાની શક્યતા છે.

આપણ વાચો: ‘ઘડિયાળ’ અને ‘તુતારી’ એક થયા: મ્યુનિસિપલ ચૂંટણી અજિત પવાર અને શરદ પવાર સાથે આવ્યા

સ્નેહલ જાધવ નારાજ છે ?

મનસેએ આ બેઠક માટે યશવંત કિલ્લેદારની ઉમેદવારી જાહેર કરતાની સાથે જ મનસેના મહાસચિવ અને દાદરના અનુભવી નેતા સ્નેહલ જાધવે પાર્ટીના સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું હતું, આનાથી મનસેને મોટો ફટકો પડ્યો છે. છેલ્લા 20 વર્ષથી જાધવ પરિવાર આ વોર્ડમાં પ્રભુત્વ ધરાવે છે. સ્નેહલ જાધવ પોતે 1992થી 2007 દરમિયાન ત્રણ વખત કોર્પોરેટર રહી ચૂક્યા છે. તેમના પતિ શ્રીધર જાધવ 2007થી 2012 સુધી ચૂંટાયા હતા.

સતત ચાર ટર્મ જીતવા છતાં પાર્ટીએ તેમની ઉમેદવારી નકારી કાઢી તે વાતથી તેઓ નારાજ છે. તેમણે આ અંગે એક પણ સામાન્ય ચર્ચા ન થઈ હોવાનો અફસોસ પણ વ્યક્ત કર્યો છે. તે ટૂંક સમયમાં નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનામાં તેમના સમર્થકો સાથે જોડાય એવી શક્યતા છે.

આપણ વાચો: વસ્તીમાં 30 ટકા અને સત્તામાં 70 ટકા: મુંબઈ મહાનગરપાલિકા વિસ્તારમાં મરાઠીવાદનો દબદબો

પ્રકાશ અને પ્રીતિ પણ નાખુશ છે?

બીજી તરફ ઠાકરે જૂથ પણ આ વોર્ડને લઈને મુશ્કેલીમાં મુકાયું છે. 2017ની ચૂંટણીમાં પ્રીતિ પાટણકર આ વોર્ડમાંથી ચૂંટાઈ આવ્યા હતા. તેથી, આ બેઠક પર તેમનો સ્વાભાવિક દાવો છે. જોકે, ગઠબંધનની ગણતરીમાં આ વોર્ડ મનસેને ગયો છે. આના કારણે ભૂતપૂર્વ કોર્પોરેટર પ્રકાશ પાટણકર અને પ્રીતિ પાટણકર નારાજ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પાટણકર તેમના સમર્થકો સાથે ટૂંક સમયમાં ઉદ્ધવ ઠાકરેને મળશે, જેથી તેઓ તેમની ઉમેદવારી અને વોર્ડ પર પકડ જાળવી શકે.

કુણાલ વાડેકર પણ ઇચ્છુક છે

આ ત્રિકોણીય લડાઈમાં કુણાલ વાડેકર ચોથા ઉમેદવાર છે. તેમની નારાજગી હાલમાં દાદરના રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહી છે. વાડેકરના સમર્થકો દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર ભૂમિકા સ્પષ્ટ કરવામાં આવી નથી. જોકે, યશવંત કિલ્લેદારની ઉમેદવારીએ તેમના રાજકીય ભવિષ્ય પર પ્રશ્નો ઉભા કર્યા છે. મનસેએ રાજ ઠાકરેના નજીકના સહયોગી અને ઉપશહેર પ્રમુખ યશવંત કિલ્લેદારને મેદાનમાં ઉતારીને પોતાની ચાલ ચાલી છે.

જોકે, કિલ્લેદાર માટે પોતાના જ લોકોની નારાજગી અને મિત્રપક્ષના લોકોના બળવાને શાંત કરવાનો મોટો પડકાર હશે. દાદરને શિવસેનાનો ગઢ માનવામાં આવે છે, તેથી હવે આ વોર્ડમાં શિવસેના વિરુદ્ધ શિવસેના અને મનસે વિરુદ્ધ બળવાખોરો વચ્ચે ચૌતરફી મુકાબલો થવાની શક્યતા છે. દરમિયાન, મનસે તરફથી યશવંત કિલ્લેદાર અને કોંગ્રેસ તરફથી દીપક ભીખાજી વાઘમારેને વોર્ડ 192માંથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button