ઍરપોર્ટ પર નેટવર્કની ખામીને કારણે ફ્લાઈટ કામગીરી પર અસર

મુંબઈ: થર્ડ પાર્ટી ડેટા નેટવર્કમાં ખામી સર્જાતાં મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટની ફ્લાઈટ કામગીરી પર શનિવારે મોટી અસર પડી હતી. આ નેટવર્કની સમસ્યાને કારણે ચેક-ઈન સિસ્ટમ પર મુશ્કેલી થઈ હતી, એમ ઍરપોર્ટ પ્રશાસને જણાવ્યું હતું.
ચેક-ઈનમાં મોડું થવા પ્રકરણે પ્રવાસીઓની પૂછપરછના જવાબમાં ઍરપોર્ટ દ્વારા જણાવાયું હતું કે આ સ્થિતિને સંભાળી લેવા માટે કટોકટીનાં પગલાં લેવામાં આવ્યાં હતાં.
આ પણ વાંચો : ઍરપોર્ટના સ્ટોર્સના કર્મચારીઓ સોનાની દાણચોરીમાં પકડાયા
એક્સ પર જણાવાયું હતું કે અમે હાલમાં ઍરપોર્ટ પર નેટવર્ક ફેલ્યોરનો સામનો કરી રહ્યા છીએ. અમે જરૂરી પગલાં લઈ રહ્યાં છે અને અમારી કોર ટીમ આ સમસ્યાનો હલ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ સમસ્યાની અસર ઓછી વર્તાય તે માટે મેન્યુઅલ મોડમાં કામગીરી શરૂ કરવામાં આવી છે. આવા સમયે તમારી ધીરજની અમે સરાહના કરીએ છીએ.
ઍર ઈન્ડિયાએ પણ પ્રવાસીઓને નેટવર્કની ખામી અંગે જાણ કરી હતી. નેટવર્ક સમસ્યાને કારણે ફ્લાઈટ મોડી પડી શકે છે, એમ જણાવ્યું હતું.