‘વિદેશ મંત્રાલય’ના કવરમાં સંતાડીને ગાંજાની તસ્કરી | મુંબઈ સમાચાર

‘વિદેશ મંત્રાલય’ના કવરમાં સંતાડીને ગાંજાની તસ્કરી

બૅન્ગકોકથી આવેલા પ્રવાસીની 14 કરોડના ગાંજા સાથે ધરપકડ: ‘ગુપ્ત-રાજદ્વારી’ પાર્સલ હોવાનું દર્શાવાયું હતું

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
વિદેશ મંત્રાલય લખેલા અને અશોકચિહ્નવાળા કવરમાં સંતાડીને ગાંજાની તસ્કરીનો પર્દાફાશ કરી કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ અંદાજે 14.73 કરોડ રૂપિયાનો જપ્ત કર્યો હતો. આરોપીએ તેની પાસેનું પાર્સલ ‘ગુપ્ત અને રાજદ્વારી’ હોવાનું દર્શાવ્યું હતું અને તેની બૅગમાંથી યુનાઈટેડ નૅશન્સ ઑફિસ ઑન ડ્રગ્સ ઍન્ડ ક્રાઈમ (યુએનઓડીસી)ના અહેવાલો તેમ જ બનાવટી સિક્રેટ મિશનની નકલો પણ મળી આવી હતી.

કસ્ટમ્સ વિભાગના મુંબઈ ઝોનના અધિકારીઓએ રવિવારના મળસકે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી આરોપીને તાબામાં લીધો હતો. બૅન્ગકોકથી આવેલા પ્રવાસીને શંકાને આધારે આંતરવામાં આવ્યો હતો. તેની બૅગમાંથી મળેલા શંકાસ્પદ કવર અને અન્ય દસ્તાવેજોને આધારે તેની પૂછપરછ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: 12 કરોડના ગાંજા સાથે ઍરપોર્ટ પર ગુજરાતી સહિત બે પકડાયા

પૂછપરછમાં ઉડાઉ જવાબ આપનારા પ્રવાસી પાસેના કવરને ખોલવામાં આવતાં અધિકારીઓને પણ આંચકો લાગ્યો હતો. વિદેશ મંત્રાલય લખેલા કવર પર અશોકચિહ્ન પર છાપેલું હતું અને એ કવરમાંથી ઉચ્ચ ગુણવત્તાવાળો ગાંજો મળી આવ્યો હતો. મુંબઈ ઍરપોર્ટ પર કસ્ટમ્સ દ્વારા કડક ચેકિંગ કરવામાં આવતું હોવાથી ડ્રગ્સની તસ્કરી સાથે સંકળાયેલા લોકોએ આ નવો પેંતરો અજમાવ્યો હોવાની શક્યતા અધિકારીએ વ્યક્ત કરી હતી.

અધિકારીના જણાવ્યા મુજબ પાર્સલમાંથી 14.73 કરોડ રૂપિયાનો ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. બૅગમાંથી અધિકારીઓને યુએનઓડીસીના વિવિધ અહેવાલ અને સિક્રેટ મિશનના રિપોર્ટ્સ પણ મળી આવ્યા હતા. આ રિપોર્ટ્સ બનાવટી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું. આરોપી વિરુદ્ધ એનડીપીએસ ઍક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button