
આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયા પર ઘણી વખત એવી પોસ્ટ કે ઘટનાના વીડિયો વાઈરલ થતાં હોય છે જેને કારણે બીજાની આંખો ખુલી જાય છે. આજે અમે અહીં તમને આવા જ એક સ્કેમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે પણ મુંબઈના ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ટ્રાવેલ કરી રહ્યા છો તો તમારે ચોક્કસ જ આ વિશે જાણી લેવું જોઈએ, પછી કહેતાં નહીં કે કીધું નહોતું.
આ પણ વાંચો: માનો યા ના માનોઃ મહારાષ્ટ્રના 35 જિલ્લામાં આરોગ્ય વિભાગના વાહનોનું કૌભાંડ…
ચાલો જોઈએ શું છે આ સ્કેમ-
મુંબઈના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઓટો રિક્ષા સ્કેમને લઈને પહેલાં પણ પોસ્ટ વાઈરલ થઈ ચૂકી છે. આ પોસ્ટમાં ઓટો રિક્ષા ડ્રાઈવર પાર્કિંગ ચાર્જના નામે 500 રૂપિયા માંગી રહ્યા હોવાનો દાવો કરાઈ રહ્યો હતો. હવે બીજા એક યુઝરે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ચાલી રહેલાં સ્કેમ વિશે ખુલાસો કર્યો છે. આ ખુલાસા વિશે જાણીને લોકો ચોંકી ઉઠ્યા છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલી પોસ્ટમાં યુઝરે જણાવ્યું હતું કે કઈ રીતે મુંબઈ એરપોર્ટ પર તેણે 50 રૂપિયામાં શેરિંગ ઓટો લીધી હતી અને બાદમાં ઓટો રિક્ષા ડ્રાઈવરે તેની પાસેથી 2,500 રૂપિયા માંગ્યા હતા.

આ ઘટના વિશે વાંચ્યા બાદ મુંબઈકર પણ આ પોસ્ટના કમેન્ટ સેક્શનમાં એકથી એક ચઢિયાતી કમેન્ટ કરતાં જોવા મળી રહ્યા છે. રેડિટના આર/મુંબઈ નામના પેજ પર @Litekite567 નામના યુઝરે સાવધાન મુંબઈ એરપોર્ટ પર રિક્ષા સ્કેમના ટાઈટલ હેઠળ પોતાની આપવીતી જણાવી છે. યુઝરે લખ્યું છે કે હું મુંબઈ એરપોર્ટ પહોંચ્યો અને ત્યાંથી હું અફોર્ડેબલ રાઈડ શોધી રહ્યો હતો. આ દરમિયાન મેં એક વ્યક્તિ પાસેથી ગોવંડી સુધી જવા માટે ઓટવાળા સાથે 50 રૂપિયા શેરિંગમાં જવાની વાત સાંભળી. ત્યાર બાદ મેં ડ્રાઈવરને પૂછ્યું કે શું હું પણ ચાલી શકું છું આ રીતે? ડ્રાઈવરે આ માટે હા પાડી.
યુઝરે પોતાની પોસ્ટમાં આગળ જણાવ્યું હતું કે થોડેક દૂર સુધી જઈને પહેલો પેસેન્જર 50 રૂપિયા આપીને પોતાના લોકેશન પર ઉતરી ગયો. રાઈડ દરમિયાન થોડી વાર રહીને ડ્રાઈવરે મને કહ્યું કે એને કુર્લા જવું છું અને તે મને હવે તિલક નગર ઉતારી દેશે. આટલું કહીને તે મારી પાસે 2500 રૂપિયા માંગવા લાગ્યો.

જ્યારે મેં તેને આ પૈસા આપવાની ના પાડી તો તે મારી સાથે જીભાજોડી કરવા લાગ્યો. ત્યાર બાદ તે મને એક સુનસાન જગ્યા પર લઈ ગયો અને ત્યાં જઈને મને ધમકાવવા લાગ્યો. તેણે મને કહ્યું કે તે લોકોને બોલાવશે. આ બધું અડધા કલાક સુધી ચાલ્યું અને તે મારા પર પેમેન્ટ કરવા માટે દબાણ કરવા લાગ્યો. મેં પોલીસ સ્ટેશન જવાની વાત કરી તો તેણે એ માટે ના પાડી દીધી. આખરે થાકીને મારી પાસે બીજો કોઈ વિકલ્પ ના બચતા મેં મારા એક મિત્રને ફોન કર્યો અને ડ્રાઈવર સાથે તેની વાત કરાવી. લાંબીલચક વાતચીત બાદ આખરે ડ્રાઈવરે 500 રૂપિયામાં વાત પતાવવા તૈયાર થઈ ગયો
આ પણ વાંચો: મોટર વેહિકલ ટેક્સમાં વધારો કરવાનો પ્રસ્તાવ વિધાનસભામાં મંડાયો…
અત્રે ઉલ્લેખનીય છે કે પોસ્ટ કરનાર યુઝરે બાદમાં રિક્ષા ડ્રાઈવર રિતેશ દશરથ કદમ વિશે ઓનલાઈન ખાખાખોળા કર્યા ત્યારે તેને જાણવા મળ્યું કે આ જ ડ્રાઈવરે તેની જેમ બીજા લોકોને પણ સ્કેમમાં ફસાવ્યા છે અને પકડાઈ ચૂક્યો છે. યુઝરે પોતાની પોસ્ટમાં બીજા લોકોને આવા સ્કેમર્સથી બચવાની સલાહ પણ આપી હતી. નેટિઝન્સ આ પોસ્ટ પર જાત જાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે.