આમચી મુંબઈ

મુંબઈમાં વાયુ પ્રદૂષણ સામે કડક કાર્યવાહી: 4 પ્લાન્ટને માર્યા તાળા, ₹ 1.87 કરોડનો દંડ ફટકારાયો

મુંબઈ: વાયુ પ્રદૂષણને કાબૂમાં લેવા મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (એમપીસીબી)એ મુંબઈમાં ચાર રેડી-મિક્સ કોંક્રિટ (આરએમસી) પ્લાન્ટ બંધ કરી દીધા છે અને 37 યુનિટ સામે કાર્યવાહી શરૂ કરી છે. એટલું જ નહીં, રૂ. 1.87 કરોડનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે.

એમપીસીબીના સભ્ય સચિવ એમ દેવેન્દ્ર સિંહે વાયુ પ્રદૂષણમાં નિમિત્ત બનતા આરએમસી પ્લાન્ટ સામે શરૂ થયેલી કાર્યવાહીનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે ‘નિર્ધારિત શરતોના પાલનની ખાતરી કરવા સ્પેશિયલ ફ્લાઇંગ સ્ક્વોડ તાત્કાલિક નિરીક્ષણ શરૂ કરશે અને ઉલ્લંઘન કરનારાઓ સામે પ્લાન્ટ બંધ કરવા સહિત અન્ય કડક કાર્યવાહી કરવામાં આવશે.’

રવિવારે દેવેન્દ્ર સિંહ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (એમપીસીબી)ના ચેરમેન સિદ્ધેશ કદમની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠક બાદ એમપીસીબીએ આરએમસી પ્લાન્ટનું સ્થળ પર નિરીક્ષણ કરવા માટે મુંબઈ શહેર માટે ચાર અને નવી મુંબઈ માટે બે ખાસ નિરીક્ષણ ટીમની રચના કરી છે.

આ પણ વાંચો: દિલ્હી-NCRમાં ધુમ્મસ અને પ્રદૂષણનો બેવડો માર: વિઝિબિલિટી શૂન્ય થતા જાહેર કરી એડવાઈઝરી0

વાયુ પ્રદૂષણ વિરોધી ધોરણોનું પાલન ન થતું હોવાથી બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં બુલેટ ટ્રેન સંબંધિત કામકાજને મુંબઈ મહાનગરપાલિકાએ તાજેતરમાં સ્થગિત કરી દીધું હતું. એમપીસીબીના જણાવ્યા અનુસાર અત્યાર સુધીના નિરીક્ષણોને પગલે 37 આરએમસી પ્લાન્ટમાંથી રૂ. 1.87 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો છે અને વાયુ પ્રદૂષણના નિયમોના ઉલ્લંઘન બદલ ચાર યુનિટ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

બોમ્બે હાઈ કોર્ટે બુધવારે મુંબઈ મહાનગરપાલિકાને શહેરમાં વાયુ પ્રદૂષણ પ્રત્યે આંખ આડા કાન કરવા બદલ અને સમસ્યા ઘટાડવા માટે કોઈ પગલાં ન ભરવા બદલ ફટકાર લગાવી હતી. મુખ્ય ન્યાયમૂર્તિ ચંદ્રશેખર અને ન્યાયમૂર્તિ ગૌતમ અંકડની ખંડપીઠે એવો પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે મુંબઈ જેવા શહેરમાં એક હજાર કરોડ રૂપિયાથી વધુના 125થી વધુ બાંધકામ પ્રોજેક્ટ્સને મહાનગરપાલિકાએ એ કેવી રીતે મંજૂરી આપી અને જણાવ્યું હતું કે પરિસ્થિતિ હવે પાલિકાના નિયંત્રણની બહાર ગઈ છે.

અદાલતે પાલિકાને ચેતવણી આપી હતી કે જો શહેરમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ યથાવત રહેશે તો તે બાંધકામ માટે વધુ પરવાનગી આપતા અટકાવવાના આદેશો જારી કરશે.

(પીટીઆઈ)

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button