મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: BKC-શિળફાટા વચ્ચે 2.7 KM ટનલ તૈયાર…

મુંબઈઃ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ અને થાણેના શિળફાટા વચ્ચેનો 2.7 કિલોમીટરની સળંગ ટનલ વિસ્તાર સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો છે. પરિણામે અબજો ડોલરના મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને વેગ મળ્યો હોવાનું નેશનલ હાઇ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (એનએચએસઆરસીએલ)એ જણાવ્યું હતું.
એનએચએસઆરસીએલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 21 કિલોમીટર લાંબી ટનલના પ્રથમ હિસ્સાનું બાંધકામ બુધવારે પૂર્ણ થયું હતું. આ સિદ્ધિ ભારતના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે. બુલેટ ટ્રેનને કારણે મુંબઈ – અમદાવાદ પ્રવાસ ઝડપી બનશે, મુસાફરીના સમયમાં ધરખમ ઘટાડો અને આર્થિક દ્રષ્ટિએ મહત્ત્વ ધરાવતા બે શહેર વચ્ચે પરિવહન કાર્યક્ષમતામાં વધારો કરવાનો છે.

વધુ માહિતી અનુસાર ’21 કિલોમીટરની આ ટનલ હાઇ-સ્પીડ રેલ કોરિડોરનો મુખ્ય ભાગ હશે, જેમાં 16 કિ.મી.નું નિર્માણ ટનલ બોરિંગ મશીન્સ (ટીબીએમએસ)ના ઉપયોગથી કરવામાં આવી રહ્યું છે અને બાકીના 5 કિ.મી.નું નિર્માણ ન્યૂ ઓસ્ટ્રિયન ટનલિંગ મેથડ (એનએટીએમ) મારફતે કરવામાં આવશે.
“એનએટીએમ (NATM) હિસ્સામાં ટનલિંગને ઝડપી બનાવવા માટે, એક વધારાની ડ્રિવન ઇન્ટરમિડિયેટ ટનલ (એડીઆઇટી) બનાવવામાં આવી હતી, જે ઘનસોલી અને શિલફાટા બંને છેડેથી એક સાથે ખોદકામ કરી શકતી હતી. કુલ એનએટીએમ વિભાગમાંથી, લગભગ 1.62 કિ.મી.નું ખોદકામ શિલફાટા બાજુથી કરવામાં આવ્યું છે, અને કુલ પ્રગતિ 4.3 કિ.મી. છે, “પ્રકાશનમાં જણાવાયું છે.
એનએચએસઆરસીએલે જણાવ્યું હતું કે, સ્થળ પર વ્યાપક સલામતી પગલાં અમલમાં મૂકવામાં આવ્યા છે, જેમાં ગ્રાઉન્ડ સેટલમેન્ટ માર્કર્સ, પીઝોમીટર, લિકોમીટર્સ, સ્ટ્રેન ગેજ અને બાયોમેટ્રિક એક્સેસ કંટ્રોલ સિસ્ટમ્સની સ્થાપનાનો સમાવેશ થાય છે.
ઉપરાંત, અહીંના નજીકના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા રહેઠાણોને અસર કર્યા વિના સલામત અને નિયંત્રિત ટનલિંગ કામગીરીને સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવી છે. પીટીઆઈ