મુકેશ અંબાણીને જાન મારી નાખવાની ધમકી મળી, ઈ-મેલ દ્વારા 20 કરોડની માંગણી
મુંબઈ: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને ફરી એક વાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મુકેશને 27 ઓક્ટોબર શુક્રવારના રોજ એક ઈમેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ઈ મેઈલમાં કહેવામાં આવ્યું કે જો તેઓ 20 કરોડ રૂપિયા નહીં આપે તો તેને ગોળી મારી દેવામાં આવશે.
ધમકી અંગે જાણ કરાયા બાદ મુંબઈના ગામદેવી પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 387 અને 506 (2) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે, તેઓએ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે અને ટૂંક સમયમાં જ આરોપીઓને શોધી કાઢવામાં આવશે.
પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, 27 ઓક્ટોબરે મુકેશ અંબાણીની કંપનીના ઈમેલ આઈડી પર કોઈ અજાણ્યા વ્યક્તિએ આ ધમકીભર્યો ઈમેલ મોકલ્યો હતો. ધમકીભર્યા ઈમેલમાં લખ્યું છે કે, ‘જો તમે અમને 20 કરોડ રૂપિયા નહીં આપો તો અમે તમને મારી નાખીશું, અમારી પાસે ભારતમાં બેસ્ટ શૂટર્સ છે’.
ગયા વર્ષે પણ મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. એક વ્યક્તિએ દક્ષિણ મુંબઈની સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં ફોન કરીને કહ્યું હતું કે તે હોસ્પિટલને ઉડાવી દેશે અને મુકેશ, નીતા અંબાણી અને તેના બંને પુત્રોને પણ મારી નાખશે. આ સાથે આરોપીઓએ અંબાણીના ઘર એન્ટિલિટાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પણ આપી હતી.
વર્ષ 2021માં મુકેશ અંબાણીના નિવાસસ્થાન પાસે વિસ્ફોટકોથી ભરેલી કાર મળી આવી હતી, જે બાદ ચકચાર ફેલાઈ ગઈ હતી. પોલીસને કારમાંથી 20 જિલેટીન સ્ટિક અને એક પત્ર મળ્યો હતો, જેમાં અંબાણી પરિવારને ધમકી આપવામાં આવી હતી. પોલીસે આ કેસની તપાસ કર્યા પછી કેટલાક લોકોની ધરપકડ કરી છે.