MTHL Project: હાઈ કોર્ટના આદેશ પછી ખેડૂતોને અભૂતપૂર્વ વળતર મળશે
નવી મુંબઈ: તાજેતરમાં ખુલ્લો મુકવામાં આવેલા મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક (એમટીએચએલ) પ્રોજેક્ટના કારણે અસરગ્રસ્ત લોકોને 2014ના કાયદા અનુસાર આર્થિક વળતર આપવાનો આદેશ બોમ્બે હાઈ કોર્ટે સિટી એન્ડ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (સિડકો)ને આપ્યો છે.
આ આદેશને પગલે જમીન સંપાદનને આગલે અભૂતપૂર્વ આર્થિક વળતર મળવાની ગણતરી છે. અસરગ્રસ્ત ખેડૂતોને જમીનના પ્રતિ ગુંઠાના 50 લાખ રૂપિયાના હિસાબે વળતર ચૂકવવામાં આવશે.
આ મામલે સંદેશ ઠાકુર નામના એક અરજદાર ખેડૂતે જણાવ્યું હતું કે ઉલવેમાં સિડકોએ ખેડૂતોની જમીનની હરાજી પ્રતિ ગુંઠા 1.70 કરોડ રૂપિયાના ભાવે કરી હતી. હાલના રેડી રેક્નર અનુસાર આ વિસ્તારમાં જમીનનો પ્રતિ ગુંઠા ઓછામાં ઓછો ભાવ 10 લાખ રૂપિયા પ્રતિ ગુંઠા છે તેમ છતાં 1984નો રદ કરવામાં આવેલો કાયદો અમલમાં લાવી સિડકો પ્રતિ ગુંઠા 50000 રૂપિયાના ભાવે જમીન સંપાદિત કરી રહ્યું છે.
જોકે, ખેડૂતોનું પ્રતિનિધિત્વ કરતા વકીલ રાહુલ ઠાકુરે જણાવ્યું હતું કે 2014ના જમીન સંપાદિત કાયદા અનુસાર સિડકોએ હવે ખેડૂતોને રેડી રેકનરના રેટ કરતા ચાર ગણા પૈસા ચૂકવવા પડશે. જે જમીન પર એમટીએચએલનું બાંધકામ કરવામાં આવ્યું છે એ મોકાની જમીન છે અને નવી મુંબઈ એરપોર્ટના પ્રોજેક્ટને પગલે જમીનના ભાવ વધી રહ્યા હોવાથી ખેડૂતોને તગડી રકમ મળશે.