એમપીએસસી પાસ કરનારા ઉમેદવારોને પરિણામ જાહેર થયાના ચાર દિવસમાં નિમણૂક પત્ર મળી શકે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારની ભરતી પરીક્ષા (એમપીએસસી) પાસ કરનારા ઉમેદવારોને પરિણામ જાહેર થયાના ચાર જ દિવસમાં નિમણૂક પત્ર મળી શકે છે, એવા નિર્દેશ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે જારી કર્યા હતા.
ફડણવીસે એક બેઠકમાં વહીવટી સુધારાઓની સમીક્ષા કરી હતી અને વિભાગોને દર વર્ષે જાન્યુઆરીના અંત સુધીમાં સરકારી કર્મચારીઓ માટે બાકી રહેલા 75 ટકા પ્રમોશન પૂર્ણ કરવા સૂચના આપી હતી.
આપણ વાચો: મહારાષ્ટ્ર પોલીસદળમાં 15000 પદ પર ભરતી: રેશનિંગની દુકાનદારોના કમિશનમાં વધારો…
તેમણે જણાવ્યું હતું કે સરકાર શાસનને નાગરી-કેન્દ્રિત, જવાબદાર અને કાર્યક્ષમ બનાવવા માટે મોટા પાયે વહીવટી સુધારાઓ હાથ ધરી રહી છે. બધા વિભાગોએ આ સુધારાઓમાં સક્રિયપણે ભાગ લેવો જોઈએ અને દેખીતી પ્રગતિ જોવા મળે એવા પ્રયાસો કરવા જોઈએ.
ફડણવીસે જણાવ્યું હતું કે, સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ માટે બઢતી એક મુખ્ય ચિંતા છે, અને સમયસર પ્રમોશન તેમને ઉચ્ચ જવાબદારીઓ અસરકારક રીતે નિભાવવામાં મદદ કરે છે. પ્રમોશન પૂર્ણ થયા પછી વિભાગોનું મૂલ્યાંકન કરવા માટે રેન્કિંગ સિસ્ટમ રજૂ કરવામાં આવશે, એમ પણ તેમણે જણાવ્યું હતું.
ફડણવીસે વિભાગોને ભરતી નિયમો અપડેટ કરવા, સિનિયોરીટી યાદીઓ ચકાસવા અને નિર્ધારિત સમયમર્યાદામાં તમામ સંબંધિત પ્રક્રિયાઓ પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો હતો. ભવિષ્યમાં વારંવાર ફેરફારો ટાળવા માટે વર્તમાન નોકરીની જવાબદારીઓના આધારે ભરતી નિયમોમાં સુધારો કરવો જોઈએ, એમ પણ તેમણે જણાવ્યું હતું.
મુખ્ય પ્રધાને અધિકારીઓને આપલે સરકાર 2.0 પોર્ટલને વહેલી તકે સક્રિય કરવા અને રાજ્યભરમાં આપલે સરકાર કેન્દ્રો અને સેતુ કેન્દ્રોને મજબૂત બનાવવાનો પણ નિર્દેશ આપ્યો હતો.



