આમચી મુંબઈ

થોરિયમ ન્યુક્લિયર રિએક્ટરના વિકાસ માટે એમઓયુ પર હસ્તાક્ષર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ ખાતે થોરિયમ પરમાણુ રિએક્ટરના વિકાસ માટે મહાજેન્કો અને રશિયાની સરકારી કંપની રોસાટોમ વચ્ચે થોરિયમ ફ્યુઅલ પર ચાલતા સ્મોલ મોડ્યુલર રિએક્ટરને વિકસાવવા માટે સમજૂતીના કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ એમઓયુનો મુખ્ય ઉદ્દેશ મહારાષ્ટ્રમાં સંયુક્ત રીતે થોરિયમ રિએક્ટર વિકસાવવાનો, એટમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ (એઈઆરબી)નાં સલામતી ધોરણો અનુસાર થોરિયમ રિએક્ટરનું વ્યાપારીકરણ કરવાનો અને ‘મેક ઇન મહારાષ્ટ્ર’ પહેલ હેઠળ થોરિયમ રિએક્ટર માટે એસેમ્બલી લાઇન સ્થાપિત કરવાનો છે.

આપણ વાંચો: મોદી 2029 પછી પણ વડા પ્રધાન રહેશે: દેવેન્દ્ર ફડણવીસ…

મહારાષ્ટ્ર ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન (મિત્રા)ને થોરિયમ ફ્યુઅલ સાથે નાના મોડ્યુલર રિએક્ટરના સંયુક્ત વિકાસ માટે નીતિગત સહાય મળશે. આ તમામ કાર્ય ભારત સરકાર અને પરમાણુ ઉર્જા નિયમનકારી બોર્ડ (એઈઆરબી)ની માર્ગદર્શિકા અનુસાર કરવામાં આવશે.

આ પ્રોજેક્ટ પર એક સંયુક્ત કાર્યકારી જૂથ પરસ્પર સંકલન અને અભ્યાસ દ્વારા કામ કરશે. આ કાર્ય માટે સહકાર પત્ર પર હસ્તાક્ષર કરનાર સંસ્થાઓના પ્રતિનિધિઓ, મહાજેન્કો, રોસાટોમ એનર્જી પ્રોજેક્ટ, મહારાષ્ટ્ર ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન (મિત્રા) અને ગ્લોબલ ટેકનોલોજી એલાયન્સના સત્તાવાર પ્રતિનિધિઓ ભાગ લેશે.

આ કરારનો અમલ કરતી વખતે, પરમાણુ ઊર્જાના ઉપયોગ અને વિકાસ સંબંધિત તમામ કાનૂની જોગવાઈઓ અને ભારત સરકાર દ્વારા નિર્ધારિત સલામતી માર્ગદર્શિકાઓનું પાલન કરવું ફરજિયાત છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button