‘અટલ સેતુ’ ઉદ્ઘાટનના કાર્યક્રમમાં સામેલ 1,300થી વધુ લોકો બીમાર

મુંબઈ: અટલ સેતુના ઉદ્ઘાટનના કાર્યક્રમમાં હાજર રહેલા અંદાજે 1,300થી વધુ લોકો બીમાર પડ્યા હોવાની માહિતી રાયગઢ જિલ્લાના આરોગ્ય અધિકારીએ જાહેર કરી હતી. મુંબઈ અને નવી મુંબઈને જોડતા અટલ સેતુના ઉદ્ઘાટનના કાર્યક્રમમાં એક લાખ કરતાં વધુ લોકો સામેલ થયા હતા. મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક (એમટીએચએલ) એટલે અટલ સેતુના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ડીહાઈડ્રેશન અને લાંબા સમય સુધી તડકામાં ઊભા રહેવાથી માથું દુખતા લોકોની તબિયત લથડી હતી, એવી માહિતી અધિકારીએ આપી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 12 જાન્યુઆરીએ ભારતના સૌથી લાંબા અટલ સેતુ બ્રિજનું ઉદ્ઘાટન પાર પાડવામાં આવ્યું હતું. નવી મુંબઈના ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન અહીં લાખો લોકોની ભીડ જામી હતી. ભરબપોરે કલાકો સુધી પાણી વગર અને તડકામાં ઊભા રહેવાથી 1,300 જેટલા લોકોને લૂ લાગવાને લીધે તેમની તબિયત લથડી હતી.
આ મામલે આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે શહેરના આટલા મોટા કાર્યક્રમ દરમિયાન લાખો લોકો અહીં હાજર રહેતા આવી ઘટના બને તેની અપેક્ષા હતી. અટલ સેતુના ઉદ્ઘાટન દરમિયાન આવેલા બીમાર પડેલા લોકોમાંથી અમુક લોકોએ માથામાં દુખાવા, ઉલ્ટી અને ચક્કર જેવા લક્ષણો વિશેષ જણાયા હતા.
ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન અંદાજે 1,300માંથી બે લોકોને ચક્કર અને ડીહાઈડ્રેશન થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પણ બીજા જ દિવસે તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન આવી કોઈ ઘટના બનશે એવા અંદેશાથી જિલ્લા અને રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલોમાં વધુ બેડ્સ અને 70 એમ્બુલન્સ સાથે મેડિકલ સુવિધા પણ કાર્યક્રમના સ્થળે તહેનાત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ વખતે ડીહાઈડ્રેશન અને હીટને લીધે અનેક લોકોમાં આ પ્રકારના લક્ષણો જણાયા હતા. આ દરેક લોકોને દરેક જરૂરી મેડિકલ સારવાર આપવામાં આવી હતી તેમ જ અનેક લોકોને ઓઆરએસ, ગ્લુકોઝ અને હળવો ખોરાક પણ આપવામાં આવ્યો હતો, એવી માહિતી વરિષ્ઠ આરોગ્ય અધિકારીએ આપી હતી.