‘લાડકી બહેન’ યોજનાનો લાભ 1 કરોડથી વધુ મહિલાને થશે: ફડણવીસનો દાવો

મુંબઈ: રાજ્યની એક કરોડથી વધુ પાત્ર મહિલાને ૧૭મી ઑગસ્ટથી સરકારની ‘લાડકી બહેન’ યોજના હેઠળ દર મહિને રૂ. ૧,૫૦૦ આર્થિક રાહત મળવાની શરૂઆત થશે, એમ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે જણાવ્યું હતું.
પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે આ યોજનાની ટ્રાયલ વખતે બુધવારે અમુક પાત્ર મહિલાઓને પહેલાથી રૂ. ૩૦૦૦ મળી ગયા છે. આ યોજનાનો પ્રારંભ સત્તાવાર રીતે શનિવારથી થશે. રાજ્યની એક કરોડથી વધુ મહિલાને પ્રતિ મહિને રૂ. ૧,૫૦૦ મળવાનું શરૂ થશે.
રાજ્ય સરકાર દ્વારા ભલે ‘લાડકી બહેન’ યોજનાનો પ્રારંભ ૧૭મી ઑગસ્ટથી કરાશે, પણ જુલાઇ મહિનો પણ તેમાં ગણવામાં આવશે. તેથી પાત્ર મહિલાઓને સૌથી પહેલા બે મહિનાના રૂ. ૩૦૦૦ આવશે અને ત્યાર બાદ દર મહિને રૂ. ૧૫૦૦ મળવાની શરૂઆત થશે.
આ પણ વાંચો: લાડકી બહેન યોજના પર મહત્વનું અપડેટ, પ્રથમ હપ્તો….
આ યોજનાનો રાજ્ય સરકારના બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો અને આ યોજનાને કારણે રાજ્યની તિજોરી પર વાર્ષિક રૂ. ૪૬,૦૦૦ કરોડનું દબાણ પડશે.
અગાઉ મધ્ય પ્રદેશની શિવરાજ સિંહ ચવ્હાણની સરકારના હેઠળ આ પ્રકારની યોજના શરૂ કરવામાં આવી હતી, હવે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની સરકાર દ્વારા ‘મુખ્યમંત્રી લાડકી બહેન’ યોજના શરૂ કરવામાં આવી છે.
(પીટીઆઇ)