મુંબઈમાં મેઘ કહેર: મોનો રેલ અધ વચ્ચે અટકી, 400થી વધુ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા…

મુંબઈ: મહારાષ્ટ્રના મુંબઈને દોડતું શહેર માનવામાં આવે છે. પરંતુ પાછલા બે દિવસમાં વધતા વરસાદના કહેરથી એક બાદ એક મુંબઈ હાહાકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મુંબઈના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. ભારે વરસાદે શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે.
આ દરમિયાન, મેસૂર કોલોની અને ભક્તિ પાર્ક સ્ટેશન વચ્ચે એક મોનોરેલ ફસાઈ ગઈ, જેના કારણે યાત્રીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ટ્રેનમાં હવાની અછત અને ગરમીથી લોકો મુસાફરો હેરાન થઈ ગયા હતા, ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને વધુ તકલીફ પડી હતી. ટ્રેન એક તરફ ઢળી ગઈ હોવાનો ખતરો પણ સર્જાયો. બચાવ કાર્ય શરૂ થયુ છે, અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે યાત્રીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપવાની ખાતરી આપી છે.
ભારે વરસાદને કારણે મુંબઈની મોનોરેલ સેવા પર ગંભીર અસર થઈ, અને એક ચાર કોચની મોનોરેલ મેસૂર કોલોની નજીક ફસાઈ ગઈ. વીજ પુરવઠો ખોરવાતા ટ્રેનમાં ગરમી અને ગભરામણનો માહોલ સર્જાયો. આ ટ્રેનમાં લગભગ 400 જેટલા યાત્રીઓ ફસાયા હતા.
એક યાત્રીએ જણાવ્યું, “અમે બે કલાકથી ફસાયેલા હતા. અંધારું હતું, બારીઓ બંધ હતી, અને બાળકો-વૃદ્ધોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી. ટ્રેન એક તરફ ઢળી ગઈ હતી, જે ખૂબ જોખમી હતું.” લગભગ બે કલાક બાદ યાત્રીઓને બારીઓ તોડીને બહાર કાઢવામાં આવ્યા.
બચાવ કાર્ય અને તપાસની જાહેરાત
મોનોરેલ ફસાયા બાદ ફાયર બ્રિગેડ અને ઇજનેરોની ટીમે તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કર્યું. સાંજે આઠ વાગ્યે બારીઓના કાચ તોડીને યાત્રીઓને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. બીજી મોનોરેલની મદદથી ટ્રેનને નજીકના સ્ટેશન સુધી ખેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પરંતુ બ્રેક જામ થઈ જવાથી તે નિષ્ફળ રહ્યો. મહા મુંબઈ મેટ્રો ઓપરેશન કોર્પોરેશન લિમિટેડે જણાવ્યું કે, એક્સપર્ટ ટીમો આ સમસ્યાને ઉકેલવા કામ કરી રહી છે. મુખ્યમંત્રી ફડણવીસે આ ઘટનાની તપાસની જાહેરાત કરી અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી.
નવી મુંબઈમાં ટ્રાફિકની અસર
ભારે વરસાદે નવી મુંબઈમાં પણ ટ્રાફિકને અસર કરી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, પાટણી ગ્રાઉન્ડ નજીક રેલવે અંડરપાસમાં જળબંબાકાર થયો છે, જેના કારણે ઠાણે-બેલાપુર અને જેએનપીટી-ઐરોલી માર્ગ પર ટ્રાફિક ધીમો પડ્યો છે.
હળવા વાહનોનો માર્ગ બદલવામાં આવ્યો છે, અને ભારે વાહનોને જ પરવાનગી આપવામાં આવી રહી છે. ટ્રાફિક પોલીસ અને નગરપાલિકા સ્થિતિને નિયંત્રણમાં લેવા કામ કરી રહ્યા છે. લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણના સંયુક્ત આયુક્ત આસ્તિક પાંડેએ જણાવ્યું કે, મોનોરેલની ક્ષમતા 109 મેટ્રિક ટન હોવા છતાં, મંગળવારે ભારે ભીડને કારણે તે ઓવરલોડ થઈ ગઈ. ટ્રેનમાં વીજળીનો પુરવઠો ખોરવાતા ઇમરજન્સી બ્રેક લાગી, જેના કારણે ટ્રેન બંધ થઈ ગઈ.
અત્યાર સુધીના મુંબઈમાં ભારે વરસાદને કારણે કોઈ મૃત્યુ કે ગંભીર ઈજાના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારથી રસ્તાઓ, ઘરો અને વાહનોને નુકસાન થયું છે. જેની સત્તાવાર વિગતો હજુ સુદી સામે આવી નથી છે. સરકારે લોકોને સુરક્ષિત સ્થળે રહેવા અને બિનજરૂરી મુસાફરી ન કરવા અપીલ કરી છે.