માફી માગ્યા પછી પણ મહિલાને લાફો માર્યો: મનસેની મહિલા પદાધિકારીની ટીકા

થાણે: કલવા રેલવે સ્ટેશન પર મરાઠી ભાષા સંબંધી કથિત વાંધાજનક ટિપ્પણીને કારણે માફી માગ્યા છતાં મહિલાને લાફો મારવામાં આવ્યો હોવાનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ નહોતી, પરંતુ લાફો મારનારી મનસેની મહિલા પદાધિકારીના આવા કૃત્યની સોશ્યલ મીડિયા પર ટીકા થઈ હતી.
મળતી માહિતી અનુસાર વિવાદ શુક્રવારની રાતે કલવા રેલવે સ્ટેશને થયો હતો. મનસેની પદાધિકારીનો પતિ ટ્રેનમાંથી ઊતરી રહ્યો હતો ત્યારે તેનો ધક્કો મહિલાને લાગ્યો હતો. આ બાબતે વાંધો ઉઠાવી મહિલાએ ઝઘડો કર્યો હતો. તે સમયે મહિલાએ મરાઠી અને મરાઠી માણૂસ માટે કથિત વાંધાજનક ટિપ્પણી કરી હોવાનું કહેવાય છે.
આપણ વાંચો: પરપ્રાંતિયોને કનડતા મનસેના નેતાના ફૂડપ્લાઝામાં કંઈ જ મરાઠી નથીઃ યુઝર્સે ખેંચ્યા કાન
આ વાતની મનસેની મહિલા પદાધિકારીને જાણ થતાં મામલો પોલીસ સ્ટેશને લઈ જવાની ચીમકી આપી હતી. મહિલાના પરિવારજનોએ વિનંતી કરતાં પ્રકરણ મનસે કાર્યાલયમાં પહોંચ્યું હતું. કાર્યાલયમાં મહિલાએ માફી માગ્યા બાદ મનસેની મહિલા પદાધિકારીએ મહિલાને લાફો માર્યો હતો, જેનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. બાદમાં લાફો મારતો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો.
થાણે ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)ની સિનિયર ઈન્સ્પેક્ટર અર્ચના દુસાનેએ જણાવ્યું હતું કે બન્ને પક્ષ વચ્ચે સમાધાન થયું હતું, જેને પગલે કોઈ ફરિયાદ નોંધાવાઈ નહોતી.
કલવા પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર અશોક ઉત્તેકરનું પણ કહેવું છે કે પોલીસ પાસે આવી કોઈ ફરિયાદ આવી નથી.
દરમિયાન માફી માગવા છતાં મહિલાને લાફો શા માટે મારવામાં આવ્યો, એ મુદ્દે મહિલા પદાધિકારીની સોશ્યલ મીડિયા પર ટીકા થઈ હતી.