ગિરગાંવના ભોજનાલયમાં ગુજરાતી બોર્ડ રાખવા સામે મનસે કાર્યકરોનો વિરોધઃ 15 દિવસનું અલ્ટિમેટમ આપ્યું

મુંબઈઃ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મુંબઈમાં ભાષા મુદ્દે દિવસે દિવસે રાજકારણ ગરમાતું જાય છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)એ ગિરગાંવ વિસ્તારમાં આવેલા સખી ગૃહ ઉદ્યોગમાં ગુજરાતી સાઇનબોર્ડ અને મેનુના કથિત ઉપયોગ સામે વાંધો ઉઠાવ્યો છે અને તેને મરાઠી સાઇનબોર્ડથી બદલવા માટે 15 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. બે દિવસ પહેલા રાજ ઠાકરેની મનસેના કાર્યકરોએ અહીંની મુલાકાત લીધી હતી અને સાઇનબોર્ડ, બિલ બુક અને મેનુ પર ગુજરાતી ભાષાના ઉપયોગ સામે વાંધો ઉઠાવ્યો હતો.
મનસેના કાર્યકર્તા દિનેશ પુંડેએ બુધવારે જણાવ્યું હતું કે પાર્ટીને સ્થાનિક રહેવાસીઓ તરફથી સખી ગૃહ ઉદ્યોગ અંગે ફરિયાદો મળી છે, જેમાં ગુજરાતી બિલ બુકનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે, તેનું મેનુ કાર્ડ અને દુકાનનું નામ પણ ગુજરાતીમાં લખવામાં આવ્યું છે.
આ પણ વાંચો: એબીવીપીની ઓફિસમાં ઘૂસી ધીંગાણું મચાવવાનો પ્રયાસ:પોલીસે મનસેની વિદ્યાર્થી પાંખના સભ્યો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો…
અમે મંગળવારે આ મામલો ઉઠાવ્યો હતો. આ મુદ્દે પુંડેએ કહ્યું હતું કે ભોજનશાળાએ અમને ખાતરી આપી છે કે તે ડિસ્પ્લે બોર્ડ અને સાઇનબોર્ડ બંનેને મરાઠીમાં બદલી નાખશે. અમે તેમને જરૂરી ફેરફારો કરવા માટે 15 દિવસનો સમય આપ્યો છે. મુંબઈ, થાણે સહિત મહારાષ્ટ્રમાં ધીમે ધીમે ભાષા મુદ્દે વિવાદ થઈ રહ્યો છે, જેમાં સામાજિક માહોલ પણ ડહોળાઈ રહ્યો હોવાનું એક્ટિવિસ્ટે જણાવ્યું હતું.



